Amreli News: શિયાળાની ઋતુમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં વધારો જોવા મળતો હોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. અમરેલીમાં સતત બીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. અમેરલીમાં બે દિવસમાં પાંચ મકાનના તાળા તૂટ્યા છે. લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામમાં એક સાથે ત્રણ મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. જુદા-જુદા ત્રણ મકાનોમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળીને કુલ રૂ. 1 લાખ 74 હજારની મતાની ચોરીની ફરિયાદ નોધાઈ છે. તો ગઈકાલે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીના બે રહેણાંક મકાનમાં કુલ રૂ. 7 લાખની મતાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં ચોરોની કિસ્સા વધતાં લોકોમાં નારાજગી અને ચિંતા જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, તસ્કરો બંધ મકાનને ટાર્ગટ કરી રહ્યા છે.
દેરડી (જાનબાઈ) ગામમાં ધોળા દિવસે ત્રણ મકાનમાં ચોરી
લાઠી તાલુકાના દેરડી (જાનબાઈ) ગામમાં ભર બપોરે ઘરફોડ ચોરીની ઘટના બની છે. જ્યાં પરષોત્તમ જીંજરીયાના ઘરે ચોરી થઈ છે. તેમણે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અજાણ્યા શખસોએ બપોરે દીવાલ કૂડીને ઘરમાં ઘૂસ્યા. ચોરોએ બંધ રૂમના દરવાજાના તાળા ત્યારબાદ તિજોરી તોડીને ચોરી કરી. તિજોરીમાં રાખેલા સોનાની બુટી (અંદાજિત કિંમત 35 હજાર રૂ.) અને રોકડા 30 હજાર રૂ.ની ચોરી કરી છે.
બીજી ચોરી ધીરુભાઈ બારૈયાના મકાનમાં થઈ છે. જ્યાં તેમના ઘરના દરવાજાના તાળા તોડી સોનાના કાપ (અંદાજિત કિંમત 35 રૂ.) અને રોકડા 30 હજાર રૂ.ની ચોરી કરી હતી.
ત્રીજી ચોરી ધીરુભાઈની બાજુમાં લક્ષીબેન પરમારના મકાનમાં થઈ છે. જ્યાં તેમના ઘરના દરવાજાનું તાળું તોડી અનાજ ભરવાની પેટીમાં રાખેલા 45 હજાર રૂપિયા, દીકરીના પાકિટમાં રાખેલા 7 હજાર રૂપિયા અને રૂ. 52 હજારની કિંમતના સોનાના દાગીના મળીને કુલ રોકડ રૂ.1 લાખ 22 હજાર. આમ, કુલ મળીને ચોરીનો મુદામાલ રૂ.1 લાખ 74 હજારની ચોરી થયાની લાઠી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ
ચોરીની ઘટનાઓ વધતાં અમરેલી પોલીસ દોડતી થઈ છે. ઘટનાના પગલે PI એચ.જે.બરવાડીયા સહિત ટીમો દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે. રહેણાંક મકાનના સીસીટીવી કેમેરામાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ કેદ થતાં પોલીસે ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી ચોરી કરનારા શખસો ઝડપાયા નથી. ત્યારે ચોરીની ઘટનામાં વધારો થતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો: બેચરાજીમાં અજાણ્યા ફળ ખાવાથી 11 બાળકોને ફૂડ પોઈઝનિંગ, સિવિલમાં દાખલ તમામની હાલત સ્થિર
ગઈકાલે જાફરાબાદ નર્મદા કંપનીની કોલોનીમાં બે મકાનમાં ચોરી
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલી નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીના બે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીના એચ.આર વિકાસ વર્મા અને પરચેઝ હેડ લલીત ગુપ્તાના કાનમાં ચોરોએ હાથ સાફ કર્યો. ઘરની તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના, વિદેશી ચલણી નોટો સહિત કુલ રૂ.7,25,718નો મુદ્દા ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા કંપનીના સીસીટીવી કેમેરાની તપાસ કરી ચોરોને શોધવાની કવાયત શરૂ કરી છે. તપાસમાં ડોગ સ્કોડ, એલસીબી સહિત પોલીસના પોલીસ ટીમની મદદ લેવાઈ છે. નોંધનીય છે કે, કોલોનીમાં સામાન્ય લોકોને પ્રવેશ અપાતો નથી. સાથે જ ગેટ પર સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહે છે, છતાં તસ્કરો ઘરમાં કેવી રીતે ઘુસ્યા તે એક મોટો સવાલ છે.