અમદાવાદ: શહેરના સાબરમતી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ ગૌરવ નિરંજનભાઈ ગઢવી, રૂપેન કિશોર રાવ (બારોટ), રોહન ઉર્ફે રોકી રાવળની સંડોવણી સામે આવતા સાબરમતી પોલીસે આ ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંગત અદાવત હોવાનું સામે આવ્યું હતું.
આરોપી રૂપેન કિશોર રાવ (બારોટ)ની પત્ની સાથે એક વ્યક્તિને આડા સંબંધ હોવાની રૂપેનને શંકા હતી. જે બાબતે બદલો લેવાના ઇરાદે રૂપેન બારોટે વિસ્ફોટક પદાર્થ મંગાવી, બેટરી સાથે જોડીને પાર્સલ રૂપે ડિલિવરી આપવા ફરિયાદીના ઘરે મોકલ્યો હતો. જોકે ફરિયાદીએ પ્રાથમિક તબક્કે આ પાર્સલ નહોતું સ્વીકાર્યું. બાદમાં પાર્સલમાંથી અચાનક જ ધુમાડો નીકળી બ્લાસ્ટ થતા બે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.
આ પણ વાંચો:
જૂનાગઢ: 13 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી, વિસાવદરના બરડીયા ગામનો બનાવ, કાળજું કંપી જશે આખી ઘટના જાણી
જોકે આ મામલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ઝોન 2 LCB ટીમે આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ તપાસ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ આરોપીઓને રજૂ કરી પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ મુદ્દે પોલીસની મુખ્યત્વે રજૂઆત એવી હતી કે બ્લાસ્ટ કરવાનું પૂર્વનિયોજિત કાવતરું હતું, જેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે બાબતની તપાસ કરવા આરોપીઓની હાજરી જરૂરી છે. પાર્સલ બોમ્બ બનાવવાની વિસ્ફોટક સામગ્રી આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા? અને કોની મદદથી આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવી જરૂરી છે. એટલું જ નહીં, ગત 20 ડિસેમ્બરના રોજ વિસ્ફોટક પાર્સલ મોકલવામાં આવ્યો હતો. તે દેશી બોમ્બ અને પિસ્તોલ બનાવવાની આરોપીઓએ ટ્રેનિંગ ક્યાંથી લીધી હતી? આ સિવાય આરોપી રૂપેન બારોટ અન્ય બે આરોપીઓને સાથે કેટલા સમયથી સંપર્કમાં હતા અને ઘરમાંથી મળી આવેલા સીમકાર્ડ અને દસ્તાવેજો બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત છે.
આ પણ વાંચો:
સુરત: ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હડકંપ મચી ઉઠ્યો, પોલીસ પણ દોડતી થઈ ગઈ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલે રિમાન્ડ નહીં આપવા અંગે દલીલ કરતા જણાવ્યું હતું કે જે આરોપીઓ જાણતા હતા તે પોલીસ તપાસમાં સામે આવી ચૂકી છે. જ્યારે ટેકનિકલ બાબતોની પૂછપરછ માટે આરોપીઓના રિમાન્ડ આપી શકાય નહીં. આમ ગ્રામ્ય કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લઈ ત્રણેય આરોપીઓના 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર