ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા, વિવિધ વ્યવસાયો અને કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે 2019માં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કર્યો હતો. આના તર્જ પર 12 ઓક્ટોબર એટલે કે દશેરાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો શુભારંભ કરાવ્યો હતો. આ ફેસ્ટિવલમાં વિવિધ શોપિંગ ઝોન અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો પણ ભાગ બનવાની તક મળી રહી છે. 14 જાન્યુઆરી, ઉત્તરાયણ સુધી એટલે કે કુલ 95 દિવસ સુધી ચાલનારા ફેસ્ટિવલને 12 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2024, 11 નવેમ્બરથી 13 ડિસેમ્બર 2024 અને 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2025 એમ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ લોકોએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી, જે આ ફેસ્ટિવલની લોકપ્રિયતા દર્શાવે છે.
4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 14 હોટસ્પોટ્સ ખાતે યોજાઈ રહ્યો છે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સહયોગથી આયોજિત ભવ્ય ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ કોઈ ગ્લોબલ શોપિંગ ફેસ્ટિવલને પણ ટક્કર મારે છે. આ ફેસ્ટિવલનું 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ- સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ, માણેકચોક, લો ગાર્ડન, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદનગર રોડ અને અમદાવાદ વન, પેલેડિયમ મોલ જેવા શોપિંગ મોલ્સ સહિત 14 હોટસ્પોટ્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 ડિસેમ્બરે એક દિવસના ગુજરાત પ્રવાસે
ફેઝ 1માં 20 લાખથી વધુ લોકોએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2024-25નો મુખ્ય ઉદ્દેશ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવાનો, અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને ખરીદીના શોખીનો માટે અમદાવાદને અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. ખાસ તો, ગુજરાતના વ્યવસાયિક સમુદાય અને ઉત્પાદનોને ટેકો મળે અને લોકો સ્થાનિક ચીજવસ્તુઓ, હસ્તકલા અને આધુનિક સાધનો ખરીદવા પ્રેરાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. શોપિંગ ફેસ્ટિવલમાં દૈનિક વસ્તુઓથી માંડીને દુર્લભ વસ્તુઓનું વેચાણ, વિવિધ સ્થળોએ લાઈટ ડેકોરેશન, સેલ્ફી પોઈન્ટ્સ, મ્યુઝિક ફેસ્ટિવલ, સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, ફ્લી માર્કેટ સહિતની આકર્ષક પ્રવૃત્તિઓના કારણે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. 12 ઑક્ટોબરથી 1 નવેમ્બર 2024 સુધીના પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ લોકોએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી, જેમાં 7.5 લાખ લોકોએ શોપિંગ ઝોનમાં અને 3.6 લાખ અમદાવાદ વન મોલમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો:
મોજ પડી જશે: પાર્ટીપ્લોટ અને હોલ છોડો અમદાવાદમાં હવે વાવમાં પણ થઈ શકશે લગ્ન
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના કારણે ઓક્ટોબર 2024માં વાર્ષિક વેચાણ 20.5% વધ્યું
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદદારોનો ઉત્સાહ વધારવા માટે તેઓ મહત્તમ ડિસ્કાઉન્ટ, લકી ડ્રૉ, કૂપન અને આકર્ષક ઇનામોનો લાભ લઈ શકે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે, વિવિધ દુકાનોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની લાઈટ્સ અને સજાવટના કારણે પણ લોકો ફેસ્ટિવલમાં ભાગ લેવા પ્રેરાયા છે. CG રોડ જેવા રોશનીવાળા વિસ્તારોમાં 30-40 દુકાનોના વેચાણમાં 12-15%નો વધારો થયો છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના કારણે ઑક્ટોબર 2024માં ₹69,904 કરોડનું વેચાણ જોવા મળ્યું હતું, જે ઑક્ટોબર 2023 કરતાં 20.5% વધારે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર