Last Updated:
અમદાવાદમાં પોપ્યુલર બિઝનેસ ગ્રુપના ચેરમેન રમણ પટેલની સીઆઈડી ક્રાઈમ દ્વારા ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ કોર્ટ દ્વારા તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને પોપ્યુલર બિલ્ડર ગ્રુપના ચેરમેન રમણ પટેલ અને તેમની સાથેના સાત મળતિયા સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વેજલપુરના મકરબા ગામની સીમમાં આવેલી વડીલો પાર્જીત જમીનમાં મહિલાના નામે હતી. મહિલાના મૃત્યુ બાદ રમણ પટેલ અને તેની ઠગ કંપનીએ બનાવટી દસ્તાવેજો અને અંગુઠાના નિશાન ઉભા કરીને મૃતક મહિલાની જમીન પચાવી પાડી હતી.
આ સમગ્ર મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે આઠ આરોપીમાંથી પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર કોર્ટે આરોપી રમણ પટેલના આગામી 11 માર્ચ બપોરે બે વાગ્યા સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
બનાવને લઈને વિગતવાર વાત કરીએ તો, શહેરના મકરબા ગામની સીમમાં આવેલી વડીલો પાર્જીત જમીનને પચાવી પાડવાના કાવતરા અંગેની ફરિયાદ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ હતી. જેમાં આરોપી તરીકે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના ચેરમેન રમણ પટેલ સહિત આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે સીઆઈડી ક્રાઈમે સાબરમતી જેલમાં અલગ અલગ ગુનામાં જેલમાં રહેલા રમણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રમણ પટેલ અને તેમના મળતિયાએ વેજલપુરના મકરબા સ્થિત આવેલી વડીલો પાર્જીત જમીન પચાવી પાડવાને લઈને જમીનના મૂળ માલિકના મૃત્યુ પામ્યા બાદ પણ તેમના અંગુઠાના નિશાન વિવિધ દસ્તાવેજો સહિત વેચાણ દસ્તાવેજો પર સિગ્નેચર અને મંજૂરી મળી હોવાના તમામ બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરીને જમીનની માલિકી પોતાની બતાવી દીધી હોવાનો કાવતરું રચ્યું હતું. નોંધનીય છે કે રમણ પટેલ સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે અને જે કેસમાં હાલ તે જેલમાં છે અને સીઆઈડી દ્વારા ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Ahmedabad,Gujarat
March 02, 2025 10:53 PM IST