અમદાવાદ: શહેરમાં વિદેશથી હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. વટવા પોલીસે 3 કરોડથી વધુની કિંમતના હાઈબ્રિડ ગાંજા સાથે એક યુવકની ધરપકડ કરી છે. થાઇલેન્ડથી હાઈબ્રીડ ગાંજો લઈને આવેલા યુવકની તપાસ કરતા આ નેટવર્કમાં મહારાષ્ટ્રની બે યુવતીઓની સંડોવણી સામે આવી. જેને લઈને વટવા પોલીસે ગુનો નોંધી રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો, અમદાવાદમાં વટવા પોલીસે યોગેશ રતીભાઈ પટેલની 3.60 કરોડની કિંમતના 12 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરી છે. વટવા પોલીસે રોપડા બ્રિજ પાસે વાહન ચેકીંગ દરમ્યાન યોગેશને ગાંજો સાથે ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા યોગેશ પાસેથી થાઈ એરલાઇન્સની ટિકિટ પણ મળી આવી હતી. જેથી હાઈબ્રીડ ગાંજાના ઇન્ટરનેશનલ નેટવર્કને લઈને પોલીસને શંકા થઈ હતી. વટવા પોલીસ નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ કરતા યોગેશની સાથે અન્ય બે મહિલા નિધિ અને સાયલીની સંડોવણી ખુલી હતી. આ બે મહિલાઓએ યોગેશને રૂ. 70 હજારની ટ્રીપ આપીને હાઈબ્રીડ ગાંજો લેવા મોકલ્યો હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે બે ફરાર મહિલાની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
આંખે પાણી આવી જશે આ પિતાની વ્યથા સાંભળી, સુરતમાં રત્ન કલાકારોના આપઘાત બાદ જાણો તેમના પરિવારની સ્થિતિ
યોગેશની વધુ પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે હાઈબ્રીડ ગાંજો લેવા માટે બેંગકોક ગયો ત્યારે તેની સાથે પ્રીતમ નામનો શખ્સ હતો. જેને આ બંને મહિલાઓએ રૂપિયા આપીને ગાંજો લેવા મોકલ્યો હતો. પ્રીતમ અને યોગેશ થાઈલેન્ડથી નીકળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારબાદ પ્રીતમ એરપોર્ટથી પોતાના વતન નાસિક જતો રહ્યો હતો. જ્યારે યોગેશને ગાંજો પોતાની પાસે રાખવાનું કહેતા તે મુંબઈથી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદની ટ્રાવેલ્સમાં બેસીને મોરબી પોતાના વતન જઈ રહ્યો હતો તે દરમ્યાન પોલીસે તેની ધરપકડ કરી હતી. ફરાર બંને મહિલા આરોપીઓએ થાઈલેન્ડથી આવેલો ગાંજો ક્યાં અને કોને આપવાનો હતો તે અંગે માહિતી આપી ન હતી.
આરોપી ગાંજો સાથે લઈને ફરતો હતો તે દરમ્યાન પોલીસે ઝડપી પાડ્યો. જોકે આરોપી યોગેશ પટેલ અગાઉ મોરબીના સિરામિકમાં કામ કરતો હતો. જેના ધંધા અર્થે મહારાષ્ટ્ર ગયો હતો ત્યારે પુણેની નિધિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને નિધિએ જ પૈસા કમાવવા નશાયુક્ત પ્રદાર્થની હેરાફેરી કરવાના નેટવર્કમાં જોડાવવા સાયલીને મળાવી હતી.
આ પણ વાંચો:
તમારી બાળકીને પણ ગુડ ટચ બેડ ટચની જાણકારી આપજો, આવા હવસખોરો ઉંમર નથી જોતા, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો
ઉલ્લેખનીય છે કે, આ હાઈબ્રિડ ગાંજા હેરાફેરીના નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી આરોપી ભૂતકાળમાં વિદેશમાં જઈને ગાંજો લાવેલ છે કે કેમ અને તેની વિરુદ્ધ અન્ય કોઈ ગુના નોંધાયા છે કે નહીં તેમજ આ મહિલાઓએ યોગેશ અને પ્રતિમ સિવાય અન્ય કેટલા લોકોને વિદેશ હાઈબ્રિડ ગાંજો લેવા મોકલ્યા છે તે તમામ મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ઇન્ટરનેશનલ નેટવર્કમાં સંડોવાયેલી બે મહિલા અને પ્રીતમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર