School Bus Accident : રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અમદાવાદ અને સુરતમાં સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. સુરતમાં આઇસર ટેમ્પામાંથી ક્રેઇન પડતાં બસ સાથે અથડાયું હતું, જ્યારે અમદાવાદ સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે આ બંને અકસ્માતમાં કોઇ જાનહાનિ સજાઇ નથી.
સુરતમાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત, તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉમરામાં પારલે પોઇન્ટ રોડ પર સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આઇસર ટેમ્પામાંથી ક્રેઇન પડતાં બસ સાથે અથડાયું હતું. આ સ્કૂલમાં 25 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સવાર હતા. અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને માંડ માંડ વિદ્યાર્થીઓનો જીવ બચ્યો હતો. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્કૂલબસમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. આઇસર ચાલક બેફામ ગતિએ વાહન હંકારી રહ્યો હોવાનો સ્થાનિકો રહીશોએ આક્રોશ કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ નથી.
અમદાવાદમાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત
તો બીજી સ્કૂલ બસ અકસ્માતની ઘટના અમદાવાદમાં સર્જાઇ છે. અમદાવાદના ગોતા બ્રીજ નીચે હિરામણી સ્કૂલની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં હીરામણી સ્કૂલના બસ ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતના લીધે એસ.જી. હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.