Sihori-Aburoad National Highway Road Accident: રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે આજે વહેલી સવારે સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી જાલોર જઇ રહેલી કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 6 સભ્યોના ઘટનાસ્થળે જ દુખદ મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતકનો ડેડબોડીને પી.એમ. અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. સુરેન્દ્રનગર નજીક ધાંગ્રધા હાઇવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યા છે. તો બીજી તરફ સિરોહી-આબુરોડ હાઇવે પર દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી જાલોર થઇ રહેલી કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 6 સભ્યોને કાળ ભરખી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં સિરોહી પોલીસની ટીમ ઘટસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક મહિલાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી, જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે આબુરોડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ મૃતકોની ઓળખવિધિની પ્રક્રિયા ચાલી રહી છે. એક જ પરિવારના 6 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી.