માવજત વિના થતા બોર માનવ અને પક્ષીઓ માટે આશીર્વાદરૂપ
દાયકાઓ અગાઉ પ્રમાણભૂત માપમાં માત્ર ૫ાંચ રૂપિયાના ભાવે વેચાતા તાજા બોરની કિંમત હાલમાં રૂ.૧૦૦થી૧૨૦
ભુજ: શિયાળાની સિઝનમાં ખાટા-મીઠા ચણીયા બોરનું આગમન થયું છે.ખુલ્લા વગડામાં ખાસ કરીને કપિયત વિસ્તારમાં કે જ્યાં ખુલ્લો સીમાડો છે ત્યાં રોડની બંને બાજુએ તથા ખેતરના શેઢે ખાસ કરીને ચણિયા બોર જોવા મળે છે.જોકે બોરમાં પણ વિવિધ પ્રકારની અલગ-અલગ જાત છે. ત્યારે નાના બાળકોને સૌથી મનપસંદ એવા ચણિયા બોર ખાસ કરીને અબડાસાના વિસ્તારમાં પાકતા ખાટ્ટા મીઠા ચણિયા બોર ખાનાર એક મોટો વર્ગ છે. અને અબડાસા વિસ્તારમાં પાકતા બોર પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચે છે.
વનવગડામાં પાકતા ચણિયા બોર વિવિધ પંખીઓ માટે તો ખોરાક પૂરો પાડે છે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પણ રોજી રોટી પુરી પાડે છે.કોઈ પણ જાતની દેખ રેખ કે માવજત વિના થતા આ બોર માનવ અને પક્ષીઓને માટે આશીર્વાદરૂપ છે .
ભૂતકાળમાં ડોકિયું કરીએ તો દાયકાઓ અગાઉ સીમાડામાંથી બોર આવતા અને ગામમાં શેરીએ-શેરીએ ફરીને અને રિશેશ સમયે શાળા પાસે ઉભા રહીને આ બોર વેચવામાં આવતા હતા. દાયકાઓ અગાઉ, સ્થાનિકે ‘ પાટઈ ‘ કહેવાતા એક પ્રમાણભૂત માપમાં માત્ર ૫ રૂપિયાના ભાવે તેમજ ૫૦ પૈસા કે ૧ રૂપિયામાં ૧ નાનકડી પ્લાસ્ટિકની ડબ્બીના માપમાં વેચવામાં આવતા.પરંતુ હવે વજનના હિસાબે વેચવામાં આવે છે. તાજા બોરાની કિંમત હાલમાં ૧૦૦ થી ૧૨૦ રૂપિયા છે. આમ, બોરા લોકોને રોજગારીની પણ તકો પૂરો પાડે છે.જોકે ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ કેટલો એવો યુવા વર્ગ છે કે જે શોખ ખાતર બોરા ખાવા માટે સીમાડામાં પરિભ્રમણ કરીને બોરા વીણવા જાય છે. આ વખતે જો કોઈ અનુભવ કે તકનીક ન હોય તો હાથમાં બોરના પાલા કાંટા ખૂંપી જાય છે.
છેલ્લા થોડા સમયથી બોરા ના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યું છે.જેના એક કારણના ભાગ રૂપે બોરના ક્ષુપના કાંટા ખેતરના શેઢે કંટાળી વાડ તરીકે કામમાં આવતા હોવાથી તેમને કાપીને ઉપયોગ કરવામાં આવે છે.જેના કારણે પણ ચણિયા બોરની ઝાડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અબડાસા વિસ્તારમાં પાકતા ચણિયા બોર તાલુકો, જીલ્લો અને રાજ્ય પાર કરીને ઠેઠ મુંબઈ સુધી પહોંચે છે. કચ્છનો કેટલોક વર્ગ ધંધાર્થે વાપી,મુંબઈ જેવા સ્થળોએ ધંધાર્થે સ્થાયી થયેલ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના સ્વજનોને મુંબઈ સુધી ચણિયા બોર પહોંચાડે છે.