એસીબી દ્વારા રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવી
ગુજરાત ઇન્ફર્મેટીક્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે ફરજ દરમિયાન કૌભાંડ આચરી મિલકતો વસાવી
ગાંધીનગર : ગુજરાત ઇન્ફર્મેટીક્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે
ફરજ દરમિયાન કૌભાંડ કરીને કરોડોની મિલકત વસાવનાર સામે એસીબી દ્વારા અપ્રમાણસર
મિલકતનો ગુનો દાખલ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આજે રિમાન્ડ પુરા થતા
કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જેલ હવાલે મોકલી દેવામાં આવી છે.
ગાંધીનગરના સેક્ટર ૧૦માં
આવેલી ગુજરાત ઇન્ફર્મેટીક્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતી
રુચી ભાવસાર અને તેના સાથી કર્મચારીઓ દ્વારા કરોડો રૃપિયાનું કૌભાંડ કરવામાં
આવ્યું હતું અને તે સંદર્ભે અગાઉ ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો પણ દાખલ
કરવામાં આવ્યો હતો ત્યારે ભ્રષ્ટાચારની આ રકમમાંથી તેણીએ કરોડો રૃપિયાની મિલકત
વસાવી હોવાનું પણ એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. એસીબી દ્વારા સ્થાવર અને જંગમ
મિલકતોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવતા ૪.૭ કરોડ રૃપિયાની આવક કરતા વધુ મિલકતો
હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં તેની
સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો ત્યારે ગાંધીનગર એસીબી દ્વારા આ ગુનામાં રૃચી ભાવસારની ધરપકડ કરી
લેવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા સોમવાર સુધીના
ડિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જેથી
આજે રિમાન્ડ પુરા થતા ટીમ દ્વારા તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને વધુ
રિમાન્ડ માગવામાં આવ્યા ન હતા. જેના પગલે કોર્ટ દ્વારા તેણીને જ્યુડિશિયલ
કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.