- કાર્યકરો સાથે ચર્ચા કરી બે દિવસમાં લેશે નિર્ણય
- ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘર વાપસીનો તખ્તો ઘડાયો
- લોકસભા સાથે બાયડ બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની કેટલીક બેઠકો માટે પેટા ચૂંટણી થવા જઈ રહી છે. આ પહેલાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જેમાં હજી નામ જોડાવાનું ચાલુ જ છે, હવે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી રાજીનામું આપી શકે છે.
છેલ્લા ઘણાં સમયથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં જોડતોડની રાજનીતિ શરૂ કરી છે. આ વચ્ચે અગાઉ આપના ધારાસભ્યો તૂટ્યા હતા. જેમને રાજીનામું આપી દીધું છે આ વચ્ચે હવે બાયડથી અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ રાજીનામું આપી શકે તેવી ચર્ચા શરૂ થઈ છે.
આ અંગેની માહિતી અનુસાર, ધવલસિંહ ઝાલા હાલમાં પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરી બે દિવસમાં નિર્ણય લઈ શકે છે. ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘર વાપસીનો તખ્તો ઘડાયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જેથી બાયડ બેઠક પર લોકસભા સાથે જ પેટા ચૂંટણીના એંધાણ જોવામાં આવી રહ્યા છે.
લોકસભા પહેલાં જોડતોડની રાજનીતિ
હાલમાં આવી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે. ભાજપ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ચૂંટાઇ આવેલા ધારાસભ્યોને ભાજપમાં લાવવા માટે કવાયત પણ શરૂ કરી દીધી છે.
વાઘોડિયા બેઠક પર રાજનીતિ શરૂ
જેમાં અગાઉ ભાજપમાંથી માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં કોંગ્રેસમાં જવાના સંકેત આપ્યા હતા. તેમજ વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે.