અડાલજ ડબલ મર્ડર કેસઃ 3200 ગુમ થનાર લોકોની યાદી ચકાસાઇઃ 200 અલગ

0
41

  • મૃતકો શ્રામજીવી હોવાની શક્યતાના આધારે આદીવાસી વિસ્તારના પટ્ટામાં પોલીસનું ફોકસ
  • જાહેર સ્થળો, એસટી બસ અને રિક્ષાઓ પર પોસ્ટર લગાવાયા
  • સોની વેપારીઓને ગૃપમાં સ્થળ પરથી મળી આવેલી વિંટી સહિતના પુરાવા વાયરલ કરાવાયા

અડાલજ ડબલ મર્ડર કેસ પોલીસ માટે પડકારજનક બની રહ્યો છે. બે મહિના પુર્વે નર્મદા કેનાલના અંતરિયાળ વિસ્તારમાંથી એક મહિલા અને પુરુષની સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી હતી.ઘટના લાશ મળ્યાના એક સપ્તાહથી પણ વધુ સમય પુર્વે બની હોવાનું લાશની સ્થિતી પરથી પોલીસનું માનવુ હતું. બંનેની લાશ 80 ટકા બળી ગઇ હતી. જેથી તેમના ચહેરાની ઓળખ પ્રસ્થાપિત થઇ શકી નહતી. જોકે, લાશ પરથી મળી આવેલા મહિલાના કેટલાક ઘરેણા અને પુરુષના અંડરગારમેન્ટના ટુકડા પરથી આ બંને કોઇ શ્રામજીવી હોવાનું પોલીસ માની રહી છે. આથી પોલીસે આસપાસના વિસ્તારોમાં ગુમ થનાર વ્યક્તિઓની યાદી મંગાવી હતી. પરંતુ તેમાંથી કોઇના પણ પરિવારે આ બંનેની ઓળખ પ્રસ્થાપિત કરી નહતી. જેથી આ કેસ પોલીસ માટે વધુ પડકારજનક બન્યો હતો. પોલીસે લાશની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી ગુમ થયેલા 3200 વ્યક્તિોઓની યાદી તપાસી હતી. આ પૈકી 200 ગુમ થયેલી વ્યક્તિઓની યાદી અલગ તારવવામા આવી છે. જેના પર આગામી દિવસોમાં પોલીસનું મહત્વનું ફોકસ રહેશે.

ઉલ્લેખનીય છેકે, જે રીતે બંનેની ક્રુરતા પુર્વક હત્યા કરીને લાશ સળગાવી દેવામાં આવી છે તે જોતા આ મામલો ઓનર કિલીંગનો હોવાનું પોલીસ માની રહી છે. જે જગ્યાએ લાશને સળગાવવામાં આવી હતી, તે જગ્યા અડાલજ કેનાલથી ૫૦૦ મિટર અંતરિયાળ વિસ્તારમાં હતી. એટલેકે, આ જગ્યાથી હત્યારાઓ વાકેફ હોવાનું પોલીસ માની રહી છે. સ્થળ પરથી પોલીસને મહિલાએ પહેરેલ એક વિંટી, પુરુષના અંડરગારમેન્ટનો ટુકડો મળી આવ્યો હતો. જોકે, ત્યારબાદ ઝીણવટભરી તપાસમાં મહિલાની પાસળી સાથે ચીપકી ગયેલ મેટલ પીન અને એક સાડીનો ટુકડો મળી આવ્યો હતો. મેટલ પીન બ્લાઉઝની હોવાનું પોલીસ માની રહી છે.લાશની ઓળખ માટે સ્થળ પરથી મળી આવેલા વાળના ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. જોકે, બે મહિના પછી પણ બંનેની ઓળખ પ્રસ્થાપિત થઇ નથી. પરંતુ બંનેની સ્થિતી પરથી તેઓ શ્રામજીવી હોવાનું મનાઇ રહ્યુ છે. જેથી પોલીસનું અત્યારે ફોકસ આદીવાસી વિસ્તારોમાં છે. પોલીસે દોહાદ સહિતના વિસ્તારોમાં આ માટે તપાસનો દોર લંબાવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, અત્યાર સુધીમાં પોલીસે કુલ 3200 ગુમ થયેલ વ્યક્તિઓની યાદીની ચકાસણી કરી છે. જેમાં 200 યાદીઓને અલગ તારવવામાં આવી છે. પોલીસનું આગામી ફોકસ ગુમથયેલા આ 200 લોકોની યાદી પર રહેશે. પોલીસની એક ટીમ દાહોદ વિસ્તારમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. જ્યા મૃતકોની ઓળખ માટે એસટી બસ, રિક્ષાઓ સહિતના જાહેર સ્થળો પર સ્થળ પરથી મળી આવેલા પુરાવાઓના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવ્યા છે. મહિલાએ પહેરેલી વિંટી પોલીસ માટે મહત્વનો પુરાવો છે. આ વિંટીના આધારે મહિલાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પોલીસે આ વિસ્તારના સોની વેપારીઓનો સંપર્ક સાંધી તેના ફોટોગ્રાફ્સ વેપારીઓના વોટ્સએપ ગૃપમાં વાયરલ કરવા પણ જણાવ્યુ છે.

મહિલાનું ઉંમર 25 અને યુવકની ઉંમર 40 હોવાની સંભાવના

હત્યાનો ભોગ બનેલી મહિલાની ઉંમર 25 વર્ષ અને યુવકની 40 વર્ષ આસપાસ હોવાનું પોલીસની તપાસ દરમિયાન જણાયુ છે. બંને પરિણીત હોવાની પણ શક્યતા છે.

બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રામકીઓની પણ પુછપરછ કરાઇ

મૃતકો શ્રામજીવી હોવાની સંભાવનાના પગલે પોલીસે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં આવેલી બાંધકામ સાઇટ પર તપાસનો દોર લંબાવ્યો હતો. પોલીસે અહિ કામ કરતા શ્રામિકોની પુછપરછ કરી હતી. જોકે, હજુસુધી આ મામલે કોઇ મહત્વની કડી પ્રાપ્ત થઇ નથી

છ મહિના બાદ પણ ગુમ થયેલાની ફરિયાદ નોંધાઇ શકે છે

મૃતકો શ્રામજીવી હોવાની શક્યતાના પગલે પોલીસે તપાસનો દોર દાહોદ સહિતના વિસ્તારોમાં લંબાવ્યો છે. જ્યાંથી મોટી સંખ્યામાં શ્રામજીવીઓ કામકાજ માટે રાજ્ય અને રાજ્યની બહાર જતા હોય છે. તેઓ ઘણી વખત છ મહિને કે વર્ષે એકાદ વખત વતન પરત આવતા હોય છે. ત્યારે ગુમ થયેલા લોકોની ફરિયાદ છ માસ બાદ પણ નોંધાઇ શકે તેમ પોલીસ માની રહી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here