08
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, 25, 26 અને 27 આ ત્રણ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે. આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે. વાવ, થરાદ, ધાનેરા, ઇડર, વડાલી, અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે. સાથે જ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ત્રણેય દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે. અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. મહીસાગરમાં લુણાવાડા આસપાસનો વિસ્તારમાં મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે. ભરૂચ, ડાંગ, વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટા પડે તેવું અનુમાન છે.