- વર્ના કારમાં સવાર અજાણ્યા ઈસમે પૂર્વ આયોજીત કાવત્રુ રચી વેપારીનો પીછો કર્યો
- કાર, ત્રણ ચાર બાઈકમાં આવેલા અજાણ્યા ઈસમોએ બે લોકો પર હુમલો કર્યો
- બે મિત્રોને પ્રાણઘાતક હથિયારોથી મારમારી કાર ચડાવી દેવાની પ્રયાસ કરાયો
અંજારના ચિત્રકુટ સર્કલ પાસે કાર તેમજ ત્રણ ચાર બાઈકમાં આવેલા અજાણ્યા ઈસમોએ વેપારીને આંતરિને તેમની કાર રોકાવી દીધી હતી. ત્યારબાદ પ્રાણઘાતક હથિયારોથી હિચકારો હુમલો કરી દીધો હતો. આટલું ઓછું હોય તેમ આરોપીએ યુવાન વેપારી પર કાર ચડાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને વેપારીની કારમાં રહેલ રોકડા રૂપિયા 2.60 લાખ તથા મોબાઈલની લૂંટ કરી આરોપી પલાયન થઈ જતા ખાખીમાં દોડધામ મચી ગઈ છે.
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત ગુરૂવારના બપોરના 3.30 વાગ્યાના અરસામાં આ ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. તાલુકાના મેઘપર કુંભારડીમાં રવેચીનગરમાં રહેતા અને ગાંધીધામમાં ઓટો ગેરેજ ચલાવતા સુભાષ જૈતા ગુજરીયા (આહિર) જેઓ મિત્ર યશપાલસિંહ જાડેજા સાથે કારમાં અંજાર જતા હતા. ત્યારે વર્ના કારમાં સવાર અજાણ્યા ઈસમે પૂર્વ આયોજીત કાવત્રુ રચી તેમનો પીછો કર્યો હતો અને ચિત્રકુટ સર્કલ પાસે આંતરી હાથના ઈશારે સુભાષની કારને રોકાવી હતી. સુભાષે કાર થોભાવતા અજાણ્યા ઈસમે પથ્થર ઉપાડી સુભાષને ફટકાર્યો હતો. આ દરમિયાન ત્રણ ચાર બાઈકમાં આવેલા ઈસમોએ ધારીયુ, ચપ્પુ, હોકી જેવુ હથિયાર ધારણ કરી સુભાષ તેમજ તેમના મિત્ર યશપાલસિંહ પર હિચકારો હુમલો કરી દીધો હતો.
રાડારાડી થતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવવા પડયા હતા, પરંતુ આરોપીએ વર્ના કાર સુભાષ પર ચડાવી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં ટોળામાં હાજર લોકોએ સુભાષને સાઈડમાં ખેંચી લીધો હતો. હુમલા બાદ શબ્બીર નામના ઈસમે સુભાષના ભાઈને માર મારવાની ધમકી આપી આરોપી પલાયન થઈ ગયા હતા. હુમલા બાદ સુભાષનો ભાઈ તથા સગા સંબંધીઓ આવી ગયા હતા અને સુભાષની કારમાં તપાસ કરતા રોકડા રૂપિયા ર.૬૦ લાખ તથા મોબાઈલની લૂંટ થયાનુ ધ્યાને આવ્યું હતુ. મારામારીમાં સુભાષને ગંભીર ઈજાઓ થતા અંજાર હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. જે અંગે પોલીસે રાયોટીંગ, લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
વેપાર માટે ગાડી લેવા રૂપિયા સાથે રાખ્યા હતા
અંજાર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, વેપારી સુભાષ ગુજરીયાને વેપાર માટે ગાડી લેવાની હોઈ રોકડા રૂપિયા 2.60 લાખ લઈને ઘેરથી ગાંધીધામ ગયો હતો. જ્યાં ગાડીના ભાવતાલ બાબતે મેળ ન બેસતા નાણા ગ્રાહકની આઈ20 કારમાં રાખી મિત્ર યશપાલસિંહ સાથે બપોરના અંજાર જતો હતો. ત્યારે ચિત્રકુટ સર્કલ પાસે આરોપીએ હુમલો કરી રોકડ તથા મોબાઈલની લૂંટ ચલાવી હતી.