- ટીપ્પણીના સરહદી જિલ્લામાં પડઘા પડયા
- રોડ પરથી નુપુર શર્માના ફોટા દૂર કરી દેવાયા
- પોલીસ મથકે કોઈ સત્તાવાર નોધ ન થઈ
અંજાર શહેરમાં આવેલા જુદાજુદા માર્ગો પર કોઈ અજાણ્યા ઈસમોએ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માની ધરપકડ કરોના લખાણ વાળા ફોટો રોડ પર ચીપકાવી દેવાતા હડકંપ મચી ગયો છે. ચર્ચાસ્પદ બનાવની જાણ થતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. ત્યારબાદ વિવાદીત ફોટા રોડ પરથી દૂર કરી દેવામા આવ્યા હતા, પરંતુ આ મામલે કોઈ સતાવાર નોધ થઈ ન હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ ટીવી ડીબેટમાં મોહમ્મદ પયંગબર વિશે કરેલી અનુચીત ટીપ્પણીને પગલે દેશભરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાઈ ગયો છે. તો વળી જુદાજુદા આરબ રાષ્ટ્રોએ પણ આ બાબતે ભારત સરકાર માફી માંગે તેવી માંગ કરી છે. તેવામાં ભાજપે નુપુર શર્માને સસ્પેંડ કરી નાખ્યા હતા. પાછલા કેટલાક સમયથી દેશમાં નુપુર શર્માનો થઈ રહેલા વિરોધ વચ્ચે આજે અમદાવાદ, વડોદરા સહિતના સ્થળોએ પણ વિરોધ પ્રદર્શન થયું હતુ. તેવામાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તાના નિવેદનના હવે સરહદી જિલ્લો પૂર્વ કચ્છમાં પડઘા પડયા છે.
અંજાર શહેરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કોઈ પણ સમયે વિવિધ સર્કલો, બાર મીટર રોડ વગેરે સ્થળોએ આવેલા રોડ પર નુપુર શર્માના ફોટો ચીપકાવી દેવામા આવ્યા છે અને ફોટામાં નુપુર શર્માની ધરપકડ કરો. તેવુ લખાણ પણ કરવામા આવ્યું છે. ત્યારે અંજારમાં વિવિધ રસ્તાઓ પર નુપુર શર્માના ફોટા ચીપકાવી દીધાની જાણ થતા પોલીસ હરકતમા આવી ગઈ હતી. ત્યારબાદ ફોટો દૂર કરી દેવામા આવ્યા હતા. જે અંગે અંજાર પીઆઈ એસ.એન.ગડુએ જણાવ્યું હતુ કે, આ મામલે હજુ સુધી કોઈ સતાવાર નોધ થઈ નથી, પરંતુ કાર્યવાહી ચાલુ હોવાનુ જણાવ્યું હતુ.