- વર્ષ 2019માં આરોપી પાસેથી ઉછીના નાણા લઈ પરત આપી દીધા હતા
- અપહ્યતકારને ધોકાથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી પરત મુકી ગયા
- પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંજારના હનુમાન નગરમાં દેવીપૂજક વાસમાં રહેતા યુવાને વર્ષ 2019માં 2 શખ્સો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા, જે પરત કરી દીધા હોવા છતાં બે શખ્સોએ અંજારના કળશ સર્કલ પાસેથી યુવાનનું ગાડીમાં અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ તેને ધોકાથી માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી અને પરત મુકી બન્ને ઈસમો પલાયન થઈ ગયા હતા.
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ તા.1/8ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. શહેરના ઓક્ટ્રોય ચોકી પાસે, હનુમાનનગરમાં દેવીપૂજક વાસમાં રહેતો અનિલ પ્રેમજી રેવા દાતણીયા (ઉવ.18)એ વર્ષ 2019માં મનિષ સોરઠીયા પાસેથી ઉછીના પૈસા લીધા હતા. પાછળથી નાણા પરત આપી દીધા હતા, તેમ છતાં આરોપી વધુ પૈસાની માંગણી કરતો હતો. તેવામાં ગઈ પહેલી ઓગસ્ટના રોજ સાંજના અરસામાં અનિલ કળશ સર્કલ પાસે ઉભો હતો, ત્યારે મનિષ અને અજાણ્યા બે ઈસમો ગાડીમાં ત્યાં ધસી આવ્યા હતા.
આરોપીએ અનિલને ગાડીમાં બેસાડી રાજા કાપડી મંદિર તરફ લઈ ગયા હતા, જયાંથી અન્ય ગાડીમાં બેસાડી ભુતીયાવાડી બાજુ લઈ ગયા હતા. જ્યાં આરોપીએ અનિલને લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. ઘટનાની જાણ થતા અનિલના પિતા કળશ સર્કલ પાસે દોડી ગયા હતા, ત્યારે ગાડીમાં આવેલી બે ઈસમોએ કહ્યું, અમે ફાઈનાન્સ વાળા છીએ?, પરંતુ આરોપીએ ના પાડી હતી અને અનિલને ગાડીમાંથી ઉતારી આરોપી પલાયન થઈ ગયા હતા. ઘટના બાદ અનિલને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો, જે અંગે પોલીસે 2 સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.