- આરટીઓ કચેરીની રોકડ, 1 કિલો ચાંદી, 3 ગ્રામ સોનાની ચોરી
- ડીવાયએસપી, એલસીબી સહિતનો કાફલો એસડીએમ કચેરી દોડી ગયો
- તસ્કરો જેસલ તોરલ સમાધીના ચાંદીના દાગીના પણ ચોરી ગયા
અંજાર એસડીએમ કચેરીની બાજુમાં આવેલ ટ્રેઝરી ઓફિસમાં આજે રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઓફિસના દરવાજેથી અંદર પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમના દરવાજે લગાડેલ શીલ તોડી નાખ્યા હતા. ત્યારબાદ મામલતદાર કચેરી દ્વારા જમા કરાવામા આવેલ જેસલ તોરલ સમાધીના ચાંદીના દાગીના તેમજ અંજાર આરટીઓની આવકના રોકડા રૂપિયા 23.56 લાખ એમ કુલ્લે રૂપિયા 24.12 લાખની માલમતાનો સફાયો કરી તસ્કરો પલાયન થઈ જતા ખાખીમાં દોડધામ મચી ગઈ છે.
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત ગુરૂવારના સાંજના 6.10 વાગ્યાથી આજે સવારના 11.15 વાગ્યાના અરસામાં આ ચર્ચાસ્પદ બનાવ પ્રકાશમા આવ્યો હતો. અંજારમાં આવેલ નાયબ કલેક્ટરની કચેરીની બાજુમાં ટ્રેઝરી ઓફિસ આવેલી છે. જેમાં અંજાર આરટીઓમાં રોજબરોજની થતી આવકની રકમને રાત્રિના રાખવામા આવે છે. ત્યારબાદ સવારના ઓફિસ ખુલતા તેમાંથી રકમ લઈ બેંકમાં જમા કરાવી દેવામા આવે છે. આ દરમિયાન ગત ગુરૂવારના અંજાર આરટીઓ કચેરીની આવકના રૂપિયા 23,56,925 ટ્રેઝરી ઓફિસમાં રાખવામા આવ્યા હતા. ત્યારે રાત્રિના અરસામાં કોઈ અજાણ્યા ઈસમો ટ્રેઝરી ઓફિસમાં ત્રાટક્યા હતા.
તસ્કરોએ ટ્રેઝરી ઓફિસમાં ટ્રેઝરી ગાર્ડના રૂમમાં પ્રવેસ કરી સ્ટ્રોગ રૂમના દરવાજા પર લગાવેલ સીલ તોડી રૂમના દરવાજા પર લગાવેલ બન્ને તાળા કોઈ સાધન વડે ખોલી નાખ્યા હતા. ત્યારબાદ સ્ટ્રોગ રૂમમાં મામલતદાર કચેરી અંજાર દ્વારા જમા કરાવામા આવેલ વેલ્યુએબલ આર્ટિકલ બોક્ષનુ શીલ તથા નકુચો તોડી આર્ટિકલ બોક્ષમાં રાખેલ જેસલ તોરલ સમાધીના સોના, ચાંદીના દાગીના નંગ 136 જેમાં 1 કિલો ચાંદી અને 3 ગ્રામ સોનુ તેમજ આરટીઓ કચેરી દ્વારા જમા થયેલ રોકડ રૂપિયા 23,56,925ની મતા ભરેલ કેશ બોક્ષનો સીલ તોડી બોક્ષનો નકુચો તોડી નાખ્યો હતો અને બન્ને બોક્ષમાંથી રોકડ દાગીના મળી કુલ્લે રૂપિયા 24,11,925ની માલમતાનો સફાયો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આજે સવારના અરસામાં પેટા તીજોરી અધિકારી દર્શનાબેન વિશાલકુમાર વૈધે અંજાર આરટીઓના કર્મચારી સાથે સ્ટ્રોંગ રૂમમાં તપાસ કરતા ચોરીની જાણ થઈ હતી. જેને પગલે ડીવાયએસપી, એલસીબી, અંજાર પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને તપાસનો દોર આગળ વધાર્યો હતો. જે અંગે અંજાર પીઆઈ એસ.એન.ગડુનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે, ચોરીના બનાવ અંગે પોલીસે ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.
ટ્રેઝરી ઓફિસમાં સીસીટીવીનો અભાવ
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંજાર એસડીએમ કચેરીમાં આવેલ ટ્રેઝરી ઓફિસમાંથી માતબર રકમની ચોરી થતા ખાખીમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તપાસનો દોર હાથ ધર્યો હતો, પરંતુ ટ્રેઝરી ઓફિસમાં સીસીટીવી કેમેરા ન હોવાનુ ધ્યાને આવ્યું હતુ. ત્યારે ખાનગી કચેરીઓમાં સીસીટીવીનો આગ્રહ રાખતા વહિવટી તંત્રની પોતાની જ કચેરીઓ રામભરોસે ચાલતી હોવાના ચિત્રો ઉપસી રહ્યા છે.
ચમત્કાર, તાળા તુટયા વીના ચોરી કેવી રીતે થઈ?
અંજાર એસડીએમ કચેરીમાં આવેલ ટ્રેઝરી ઓફિસમાં રોકડ રાખ્યા બાદ તેમાં મસમોટા તાળા લગાડવામા આવતા હોય છે, પરંતુ અંજારની ટ્રેઝરી કચેરીમાં તાળા તોડયા વીના જ ચોરીના બનાવને અંજામ આપવામા આવતા આ પ્રક્રિયા પછવાળે અનેક ભેદભરમ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
જાણભેદુ હોવાની આશંકા, ગાર્ડ હાજર ન હતો
ટ્રેઝરી ઓફિસમાંથી માતબર રકમની ચોરીનો બનાવ ઉજાગર થતા હડકંપ મચી ગયો છે. ત્યારે તાળા તોડયા વીના ચોરીના બનાવને અંજામ આપવામા આવતા ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની આશંકા પ્રબળ બની રહી છે. બીજીતરફ આજે સવારના પેટા તીજોરી અધિકારી, આરટીઓ કર્મચારી કચેરીમાં જતા ટ્રેઝરી ગાર્ડ પણ હાજર જણાઈ આવ્યો ન હતો, જેને પગલે અનેક શંકા કુશંકાઓ વહેતી થઈ રહી છે.
કયા કયા દાગીનાની હાથફેરો કરી જવાયો?
અંજાર ટ્રેઝરી ઓફિસમાંથી રોકડ રૂપિયા 23,56,925 તથા ચાંદીના નાના છતર 116, મોટા છતર 5, ચાંદીના ઘોડા 3, ચાંદીના સિક્કા 3, ચાંદીની કંઠી 1, ચાંદીના પગ 2, ચાંદીના પારણા નાના 4, સોનાના ચાંદલા 2 એમ કુલ્લે 136 આઈટમની કિંમત રૂપિયા 55 હજાર મળી કુલ્લે રૂપિયા 24.11 લાખની મતાનો સફાયો કરી જવાયો હતો.