ભરૂચના અંકલેશ્વર નજીક પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આગ લાગવાની ઘટના બની છે. મુંબઈ અમૃતસર ટ્રેનના ડબ્બામાં આગ લાગવાની ઘટના બની છે. ટ્રેનમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ છે.
શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગી હોવાનું અનુમાન
જો કે તાત્કાલિક ટ્રેન ઉભી રાખીને તમામ મુસાફરોને ટ્રેનની બહાર ઉતારી દેવામાં આવતા મોટી જાનહાની ટળી હતી. આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં મોટી સંખ્યામાં પેસેન્જરો સવાર હતા અને આગની ઘટના બનતા જ લોકો ગભરાઈ ગયા હતા અને ફટાફટ ટ્રેનની નીચે ઉતરી ગયા હતા.
ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત ટ્રેનમાં મારામારી
બીજી તરફ ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત ટ્રેનમાં મારામારીની ઘટના સામે આવી હતી. ગઈકાલે ચાલુ ટ્રેનમાં મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધ્રાંગધ્રા પાસે ચાલુ ટ્રેનમાં મારામારી થઈ હતી. ચાલુ ટ્રેનમાં પેસેન્જર વચ્ચે જ કોઈ બાબતને લઈને બબાલ થઈ હતી અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
ટ્રેનમાં ભીડથી લોકોને હેરાન પરેશાન
તમને જણાવી દઈએ કે હાલમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં ઘણા લોકો વતનમાંથી પરત ફરી રહ્યા છે અને જેને લઈને તમામ ટ્રેનો પેસેન્જરથી ભરેલી જોવા મળી રહી છે. જેના કારણે ટ્રેનમાં ભીડથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભીડને કારણે પ્રવાસીઓને ભારે હાલાકી પડી રહી હતી. ત્યારે રિઝર્વેશન હોવા છતાં સીટ ન મળતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા હતા. આ બાબતે રેલવે તંત્ર તરફથી કોઈ જવાબ પણ ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.