Shocking Case in Gujarat: પાટણ જિલ્લા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની સગીરાને ઉઠાવી રાજસ્થાનમાં રૂપિયા 3 લાખમાં વેચી દીધાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને બાળકીને સહી સલામત લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
60 હજાર વ્યાજે લીધા બાદ 4 લાખ લેવાના નીકળતા હોવાનું કહીને મારામારી કરી
હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાં સમર્થ કોલેજ કેમ્પસની બાજુમાંથી પસાર થતી કેનાલ નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે મોડાસાના હજીરા વિસ્તારમાં રહેતા અર્જુન વિજયભાઈ નટ પાસેથી રૂપિયા 60,000 વ્યાજે લીધા હતા. જેમાં નિયમ મુજબ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં અર્જુન નટ અને સરીફાબેન નટએ તેમની રીતે હિસાબ કરી 3થી 4 લાખ રૂપિયા લેવાના નિકળતા હોવાનું જણાવી હિંમતનગર તેમના ઘરે આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં બે ભાઈઓ બન્યા એકબીજાના દુશ્મન, જૂથ અથડામણમાં એકનું મોત
ત્યારબાદ મારામારી કરી કોરા કાગળમાં અંગૂઠા કરાવ્યા પછી તેમની દિકરીને પૈસાના બદલામાં બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા અને તેનો રૂ. 3 લાખમાં સોદો કરી રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી દીધી હતી. આ અંગે પરિવારે કોર્ટનો આશરો લેતાં કોર્ટે પોલીસ ફરિયાદ કરવા માટે આદેશ આપ્યો હતો. પોલીસે અર્જુન વિજયભાઈ નટ અને સરીફાબેન જોઈતાભાઈ નટ(બંને રહે.હજીરા પેટ્રોલપંપની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા, જિ.અરવલ્લી) અને લખપતિ નટ (રહે.દેવાગામ, તા.બાલાસિનોર, જિ.મહિસાગર)એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ બાળ તસ્કરી કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બીએનએસ કલમ 137(2), 143(4), 115(2), 351(3), 54 તથા ગુજરાત મનીલેન્ડસ એક્ટ ક.40, 42 મુજબ બાળ તસ્કરી કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે પૈસાના બદલામાં બાળકીને ઉઠાવી જનાર આરોપી અર્જુન નટ, શરીફાબેન નટ અને લખપતિ નટને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 27/12/24 સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.