Captain Rohit Sharma injured ahead of Boxing Day Test match : ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. રવિવારે રોહિતને પ્રેક્ટિસ દરમિયાન ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. હકીકતમાં રોહિત થ્રો ડાઉન નિષ્ણાત સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે બોલ તેના પેડને સ્પર્શીને તેના ઘૂંટણમાં લાગ્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26મી ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાવાની છે અને તેના ચાર દિવસ પહેલા જ રોહિતની ઈજા ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે.
ભારતીય ટીમની નજર આગામી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવવા પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. રોહિત પહેલા ભારતીય ટીમના બેટર કેએલ રાહુલ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રાહુલના હાથમાં ઈજા થઈ હતી, તે પછી ફિઝિયોએ મેદાનમાં આવવું પડ્યું હતું.
પીડાતો જોવા મળ્યો રોહિત
હાલમાં સોશિયલ મીડિયા પર રોહિતની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે ઘૂંટણ પર આઈસ પેક લગાવતો જોવા મળી રહ્યો છે. રોહિત આ સીરિઝમાં ફોર્મ મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે. રોહિતની કેટલી ગંભીર ઈજા પહોંચી છે, તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રેક્ટિસ દરમિયાન તે પીડાતો જોવા મળ્યો હતો. રાહુલની ઈજા અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી અને ટીમ મેનેજમેન્ટે પણ કોઈ નિવેદન આપ્યું નથી કે, તેણે શા માટે તબીબી સહાયતા માંગી છે.
આકાશ દીપે ચિંતા ફગાવી દીધી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર આકાશ દીપે રોહિત અને રાહુલની ઈજાને લઈને ચિંતાઓ ફગાવી દીધી છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન જ્યારે આકાશ દીપને રોહિતની ઈજા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જ્યારે તમે ક્રિકેટ રમો છો, ત્યારે ઈજાઓ અવશ્ય થાય છે. આ કોઈ ચિંતાનો વિષય નથી.