Banaskantha: અરવલ્લીની ગિરિમાળા વચ્ચે બિરાજમાન આદ્યશક્તિ મા અંબાના ભાદરવી પૂનમના મહામેળા સમગ્ર ભારતભરમાંથી પદયાત્રી પદયાત્રા કરી મા અંબાના દર્શન કરવા આવે છે. પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય, તે માટે અનેક સેવા કેમ્પ દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે. દાંતા-અંબાજી માર્ગ ઉપર પદયાત્રીઓને નેટવર્ક ઇસ્યુ થતા હોય છે તેમજ પદયાત્રીઓના મોબાઈલ ફોન પણ ડિસ્ચાર્જ થઈ જતા હોય છે. આવી સમસ્યાઓથી પસાર થતા પદયાત્રીઓ માટે એક સેવાભાવી કેમ્પ દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે.
સેવા કેમ્પ દ્વારા ફાસ્ટ ચાર્જર અને હાઈ સ્પીડવાળા વાઈફાઈની સુવિધા
શ્રી શક્તિ સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓ માટે ફાસ્ટ ચાર્જર અને હાઈ સ્પીડવાળા વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ સેવાનો લાભ રહી રહ્યા છે. આ સેવાભાવી કેમ્પ દ્વારા 24 કલાક પદયાત્રીઓને આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે
ઉષાબેન અગ્રવાલ અને મૌલિકભાઈ ઠક્કરના ટ્રસ્ટી પદ હેઠળ અંબાજી દાંતા માર્ગ ઉપર આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને ચાર્જિગની સુવિધા ઉપરાંત અહીં 24 કલાક યાત્રીઓ માટે નાસ્તો, ભોજન, ચા, મેડિકલ સુવિધા, આરામની સુવિધા, ફૂટ સમાજ જેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
પદયાત્રીઓએ સેવા કેમ્પની કામગીરીને બિરદાવી
અમરેલીના ધારી ગામમાંથી આવેલા પ્રતાપભાઈ વાળા છેલ્લા 2 વર્ષથી બનાસકાંઠામાં અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહા મેળામાં પદયાત્રા કરી મા અંબાના દર્શન કરવા આવે છે. તેઓ 7થી 8 દિવસ પદયાત્રા કરી અંબાજી પહોંચે છે. આ પ્રવાસ દરમિયાન ઘણીવાર તેમનો મોબાઈલ ફોન પણ ડિસ્ચાર્જ થઈ જતો હતો અને પરિવારનો સંપર્ક પણ ન થતો. આ સેવા કેમ્પમાં આપવામાં આવેલી ફ્રી વાઈફાઈ તેમજ ફાસ્ટ મોબાઈલ ચાર્જરની સુવિધાના કારણે પ્રતાપભાઈ વાળાનો પોતાનો પરિવાર સાથે સંપર્ક થઈ શક્યો હતો. આ સેવાને પ્રતાપભાઈએ બિરદાવી હતી. આવા અનેક ભક્તો આ સેવાને બિરદાવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર