લાકડિયા પાસેની પંજાબી હોટલનો સંચાલક પલાયન થતાં અનેક ચર્ચા
પંજાબ-હરિયાણાના ટ્રકચાલકોને નશા માટે ડ્રગ્સ વેચાતું કે કચ્છમાં નેટવર્ક? ઊંડી તપાસ
બોનેટમાં છૂપાવેલું ડ્રગ્સ મળ્યું, એક પરિવારની બે મહિલા સહિત ૪ ઝડપાયા આડેસર ચેકપોસ્ટ નજીક હરિયાણા પાસિંગની કારનું ચેકિંગ કરતાં ઘટસ્ફોટ
ગાંધીધામ: કચ્છમાં છાસવારે માલ્ટા ડ્રગ્સ થકી હવે જાણે કચ્છ ઉડતા પંજાબની જેમ ઉડતા કચ્છ બનવા તરફ જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ હજુ થોડા દિવસ પહેલા જ ગાંધીધામની એક હોટલમાં પંજાબથી ડ્રગ્સની ડિલિવરી દેવા આવેલા અને ખરીદી કરવા આવેલા બંને શખ્સો ઝડપાઇ ગયા હતા. આ અગાઉ પણ ગાંધીધામ નજીકથી મોટી માત્રમાં બિનવારસી કોકેનનો જથ્થો મળી આવ્યો છે ત્યારે હરિયાણાથી કચ્છમાં કોકેન લઈ આવેલી બે મહિલા સહિત ૪ લોકોને આડેસર ચેકપોસ્ટ પાસેથી ૧.૪૭ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા છે. કારના બોનેટમાં છુપાવી હરિયાણાથી કચ્છમાં કોકેન લઈને આવેલા લોકોમાં લાકડિયા પાસેની પંજાબી હોટલના સંચાલકના પરિવારના બે મહિલા સહિત ત્રણ અને મિત્ર પકડાયાં છે. લાકડિયા નજીક હોટલ ચલાવતા હરિયાણાના શખ્સ દ્વારા આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે પરંતુ પોલીસ હોટલ સંચાલક સુધી પહોચે તે પહેલા જ તે ગાયબ થઈ ગયો છે. હરિયાણવી પરિવારની હોટલ અને કચ્છમાં કોકેનનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. પંજાબ – હરિયાણાથી કચ્છ આવતાં ટ્રકચાલકોને વેચવા માટે ડ્રગ્સ લવાયું હતું કે કચ્છમાં ડ્રગ્સ વેચાણનું નેટવર્ક ચલાવાતું હતું તે અંગે એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુરુવારે સાંજે એસઓજી ની ટીમ અને લાકડીયા પોલીસ હાઈવે પર સંયુક્ત રીતે કચ્છમાં પ્રવેશી રહેલા વાહનોને ચેક કરતી હતી તે સમયે ભારત હોટલ પાસે મઢી ત્રણ રસ્તે હરિયાણા પાસિંગની એક ઈકો સ્પોર્ટસ કાર નજરે ચઢી હતી. કારમાં બે મહિલા અને બે પુરુષ સવાર હતા. દરમિયાન પોલીસે કારનું બોનેટ ખોલાવી તલાશી લેતાં એર ફિલ્ટર નીચે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલાં ક્રીમ રંગના ગાંગડા મળી આવ્યાં હતાં. જેથી ઝડપાયેલા ઇસમોને લાકડીયા પોલીસ મથકે લઈ જવાયાં હતાં. એફએસએલ અધિકારીને બોલાવીને ચેક કરાતાં આ ગાંગડા કોકેન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ૧.૪૭ કરોડ રૂપિયાનું ૧૪૭.૬૭ ગ્રામ કોકેઈન જપ્ત કર્યું હતું. ઝડપાયેલાં ચાર સહિત કુલ પાંચ સામે લાકડીયા પોલીસ મથકે એનડીપીએસની વિવિધ ધારા તળે ગુનો દાખલ કરાવાયો છે.
આ બનાવમાં ઝડપાયેલા અને કાર હંકારી રહેલા હનિસિંઘને પોલીસે પૂછયું તો તેણે કારમાંથી મળેલા ડ્રગ્ઝ અંગે કથિત અજાણતા દર્શાવી જણાવ્યું કે કાર સન્નીસિંઘ ઊર્ફે ગુલવંતસિંઘ હજુરાસિંઘ શીખે આપીને તેની પત્ની સુમન ઊર્ફે જશપાલકૌરને સામખિયાળી મૂકી આવવા જણાવ્યું હતું. સન્નીસિંઘ લાકડીયા પાસે ભાડેથી હોટેલ આશિષ સિદ્ધ સરદાર પંજાબી હોટેલનું સંચાલન કરે છે અને સામખિયાળીમાં રહે છે. સન્નીના કહેવા મુજબ તેની પત્ની સુમનને મૂકવા માટે કારમાં સાથે તેનો ભાઈ સંદિપસિંઘ અને સંદિપની પત્ની અર્શદીપકૌર જોડાયાં હતાં. જ્યારે, કાર ચલાવતો હનીસિંઘ એ હોટલ સંચાલકનો મિત્ર છે. તમામ આરોપીઓ પંજાબના ભટિંડાના અલગ અલગ ગામના રહેવાસી છે. સુમન પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. પોલીસે પાંચ લાખની કાર, ૮૦ હજારના કુલ ૬ ફોન વગેરે ગુનાકામે જપ્ત કર્યાં છે. હોટલ સંચાલક સનીસિંઘ અને ડ્રગસ સાથેની કાર ચલાવી લાવેલો હનીસિંઘ અગાઉ લાકડિયા પોલીસની યુવકની હત્યાના પ્રયાસના કેસમાં આરોપી હતા. આથી પાલીસને એવી મજબૂતઆશંકા છે કે, હોટલ સંચાલક સન્નીસિંઘ અને તેનો મિત્ર હનીસિંઘ હરિયાણાથી કચ્છમાં ડ્રગ્સના રેકેટ ચલાવે છે. પરિવાર સાથે કારમાં અવરજવર કરી ડ્રગ્સ લવાયાનું સ્પષ્ટ થયું છે ત્યારે આ પ્રકારે કેટલી વખત ડ્રગ્સ કચ્છ લવાયું તે મુદ્દો પણ તપાસ હેઠળ છે.
૧૪૭ ગ્રામ કોકેન કારના બોનેટમાં છૂપાવેલું હતું
– કારના બોનેટમાં છૂપાવેલું ૧૪૭.૬૭ ગ્રામ કોકેન, કિમત- ૧,૪૭,૬૭,૦૦૦
– છ મોબાઈલ ફોન
– ઈકો સ્પોટ કાર – પાંચ લાખ
– આધારકાર્ડ-૦૧
– પાન કાર્ડ નંગ-૦૧
આરોપી
– હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા,
– સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉવ ૨૫ રહે વોર્ડ નંબર ૪ રામપુરા ફુલ જી. ભટીન્ડા
– જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ ઉવ ૨૯ ૨હે ગામ પટીકાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી. ભટીન્ડા
– અર્શદીપકોર વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ ઉવ ૨૧ ૨હે વોર્ડ નંબ૨ ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા
વોન્ટેડ આરોપી
– ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ રહે ગામ પટીકાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી.ભટીન્ડા
પકડાયેલ મુદામાલ
– કોકેઈન નેટ વજન ૧૪૭.૬૭ કિમત રૂપિયા .૧,૪૭,૬૭૦૦૦ /-
– મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૮૦,૦૦૦/-
– ઈકો સ્પોટ કાર – ૦૧ કિ.રૂ. પ,૦૦,૦૦૦/-
– આધારકાર્ડ-૦૧ કિ.રૂ.૦૦/૦૦
આરોપી ગુનાહિત ઇતિહાસ
હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા. ૨ામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ વાળા ઉપર લાકડીયા પો.સ્ટે. ખાતે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૧૦૩૦૩/૨૦૨૧ આઈ.પી.સી કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૭, ૩૨૩,૩૨૫, જી.પી. એક્ટ ૧૩૫ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે.
– પાન કાર્ડ નંગ-૦૧ કિં.રૂ. ૦૦/૦૦
કુલ કિ.રૂા.૧,૫૩,૪૭૦૦૦/-નો મુદ્દામાલ