– સામસામે આઠ સામે ફરિયાદ નોંધાઈ
– તલવાર, લોખંડના પાઈપ, ટામી, ધોકા ઉડતાં બંને જૂથોના પાંચથી વધુને ઈજાઓ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલ હામપરવાળા મેલડી માતાજીના મંદિર પાસે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે ભૂંડ પકડવા બાબતે બોલાચાલી બાદ તિક્ષણ હથીયાર વડે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ચાર થી પાંચ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જે મામલે બંને જુથો દ્વારા એ-ડિવીઝન પોલીસ મથકે સામસામે ૮ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
શહેરના કૃષ્ણનગર હાઉસીંગ સોસાયટીમાં રહેતા ફરિયાદી હરદિપસીંગ અવતારસીંગ પટવા (સરદાર)ને તેમજ તેમના પિતા અવતારસીંગ અને ભાઈ મલીન્દરસીંગને દાળમીલ રોડ ડેમ પાસે આવેલ હામપરવાળા મેલડી માતાજીના મંદિર પાસે પાંચ શખ્સોએ એકસંપ થઈ બોલાચાલી કરી હતી અને મામલો ઉગ્ર બનતા લાકડાના ધોકા, લોખંડના પાઈપવડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ પાંચ શખ્સો રાજુસીંગ દારાસીંગ પટવા, ક્રિપાલસીંગ દારાસીંગ પટવા, કલુસીંગ દારાસીંગ પટવા, બલરામસીંગ રાજુસીંગ પટવા અને કરણસીંગ હરનામસીંગ પટવા (તમામ રહે.વેલનાથ સોસાયટી, સુરેન્દ્રનગર) સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે ફરિયાદી રાજુસીંગ દારાસીંગ પટવાએ પણ ત્રણ શખ્સો અવતારસીંગ મંગલસીંગ પટવા, હરદીપસીંગ અવતારસીંગ પટવા અને મલીન્દરસીંગ અવતારસીંગ પટવા (તમામ રહે.કૃષ્ણનગર) સામે લાકડાના ધોકા, લોખંડના પાઈપ, લોખંડની ટામી વડે મારમારી કરી ફરીયાદી સહિત ત્રણ શખ્સોને ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. ભૂંડ પકડવા જેવી બાબતે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે તિક્ષણ હથિયારો વડે મારામારીનો બનાવ બનતા સામસામે આઠ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હતી અને ચારથી પાંચ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.