• ખેડૂતો દ્વારા પોલીસમાં અનેક વખત લેખિત રજૂઆત કરાઈ
• પોલીસે ગંભીરતા દાખવે તે જરૂરી
• ઉનાળે સિંચાઈના પાણીની જરૂરિયાત વચ્ચે મોટર અને કેબલોની ચોરીથી ભારે મુશ્કેલી
છેલ્લા ઘણા દિવસો દરમિયાન સુરત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી સિંચાઈના પાણી માટે કૂવા, બોર, નદી, કોતરો અને નહેરો પર ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલી ઈલેક્ટ્રિક મોટર, જનરેટર સેટ અને કેબલોની ચોરીના બનાવો વધી રહેવાના કારણે ખેડૂતો ત્રસ્ત બન્યા છે. રાત્રીના સમયે વાહનોમાં આવી રહેલી ચોર ટોળકી રોજેરોજ એક પછી એક ગામોમાં આવી ચોરીને અંજામ આપી રહ્યા હોવાથી ખેડૂતો પરેશાન થઈ ઊઠયા છે. પોલીસ સક્રિયતા દાખવે તો તસ્કરોની ટોળકીનો પર્દાફાશ થાય તેમ છે. હાલમાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
સુરત જિલ્લાના બારડોલી, મહુવા, કામરેજ, પલસાણા, માંડવી તાલુકાના ગામડામાં રાત્રિ દરમિયાન ખેતરોમાં સિંચાઈના પાણીની ઈલેક્ટ્રિક મોટરો, કેબલો, સ્ટાર્ટર અને કેટલેક ઠેકાણે વીજકાપ હોય ત્યારે પણ સિંચાઈ કરી શકાય તે માટે ઘણા ખેડૂતોએ જનરેટર સેટ પણ મોટર ચાલુ રાખવા માટે વસાવેલા છે. તેની પણ તસ્કર ટોળકી ચોરી કરી રહી છે. ખેડૂતોના ખેતરોમાંથી સિંચાઈલક્ષી આ સાધન સામગ્રીની ચોરીની અનેક ફરિયાદો ઊઠી છે. આ માટે સ્થાનિક એક ચોક્કસ ટોળકી સક્રિય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે અને વોચ ગોઠવી આવી ટોળકીનો પર્દાફાશ કરી ખેડૂતોને આર્થિક નુકસાનીમાં નાંખતા આવા તત્ત્વોને પકડી પાડી જેર કરે તે જરૂરી બન્યું છે. ખેડૂતો દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત પણ આ બાબતે કરાઈ રહી છે. ત્યારે પોલીસ ગંભીરતા દાખવી આ પ્રકારની થતી ચોરી અટકાવવાની દિશામાં કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.આસપાસના ભંગારવાળાની પણ તપાસ જરૂરી પોલીસ દ્વારા મોટર અને કેબલોની ચોરીના દૂષણને ડામવા આસપાસના ભંગારવાળાની પણ સમયાંતરે તપાસ હાથ ધરવી જોઈએ. કેબલ અને મોટરોની ચોરી કરી આ ટોળકી ભંગારવાળાને જ વેચી દઈ રોકડી કરી લેતા હોય છે. પોલીસ દ્વારા ભંગારવાળાઓ પર ભીંસ વધારવામાં આવે તો આ ટોળકી સાથે ભંગારવાળાઓની સાઠગાંઠ બહાર આવે તેમ છે.