Surat Corporation : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય તેવી મિલ્કતોને ઓળખી અને તેના માટે SOP તૈયાર કરવા માટે તાકીદ કરી હતી. સુરત પાલિકાએ આ માટે SOP બનાવીને તે માટે સર્વેની કામગીરી પણ લગભગ પુરી કરી દીધી છે. પાલિકાના સર્વે હાલ આખરી તબક્કામાં છે ત્યારે પાલિકાએ શહેરમાં 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય તેવી 7600 જેટલી મિલ્કતોને પાલિકાએ જુદી તારવી લીધી છે અને તેમની પાસેથી હવે પાલિકાએ બનાવેલી SOP માટે બાંહેધરી લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. પાલિકાએ બનાવેલી SOP બાદ કોઈ દુર્ઘટના થાય તો બાહેધરી આપનારા મિલકતદારો સાથે સાથે સ્થળ વિઝીટ કરનારા કર્મચારીઓની પણ જવાબદારી નક્કી થઈ શકે છે.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય તેવા પ્રકારની તમામ જગ્યાઓ માટે SOP બનાવવા માટે તાકીદ કરવામાં આવી હતી. સુરત પાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ યુનિટ સહિત જુદી-જુદી નવ કેટેગરી નક્કી કરી SOP બનાવી દીધી છે અને હવે તેના અમલ માટે ઝોનને કામગીરી સોંપવામાં આવશે.
સુરત પાલિકાએ SOP બનાવી તે પહેલાં દરેક ઝોનમાં એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં 7642 જેટલી મિલકત શોધી કાઢી હતી જેમાં 50 કે તેથી વધુ લોકો ભેગા થતા હોય. આ સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે અને નજીકના દિવસોમાં સર્વે પુરો થશે. પાલિકાની નવી SOP પ્રમાણે હવે આ મિલકતદારોએ નક્કી કરેલ સમય મર્યાદા મુજબ વર્ષમાં એક વાર અથવા બે વાર પાલિકાને લેખિતમાં બાંહેધરી આપવાની રહેશે. જેમાં પ્લાન પ્રમાણે બાંધકામ થયું હોવા સાથે બીયુ પરમિશન બાદ કોઈ નવું બાંધકામ કર્યું નથી તેની પણ બાંહેધરી આપવાની રહેશે.
પાલિકાએ અત્યાર સુધીમાં જે સર્વે કર્યો છે જેમાં શહેરમાં શૈક્ષણિક ઇન્સ્ટી.ની કેટેગરીમાં આવતી અંદાજે 2950, નાની-મોટી 1300થી વધુ હોસ્પિટલો, 290થી વધુ બેન્કવેટ હોલ, કોમ્યુનિટી હોલ, 1150 જેટલા ફુડ કોર્ટ, પબ્લિક રેસ્ટોરેન્ટ, 69 ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, 400 શોપીંગ મોલ, મેગા સ્ટોર, સુપર માર્કેટ, 150થી વધુ સિનેમાગૃહ, મલ્ટીપ્લેકસ, ઓડિટોરીયમ મળી અંદાજે 1300 જેટલા નાની-મોટી ધાર્મિક મિલકતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શોપિંગ મોલ કેટેગરીમાં એટલે કે હીરા એકમો, કાપડ માર્કેટનો સમાવેશ થાય છે તે કેટેગરીમાં 400 મિલકત હોવાનું નોંધાયું છે.
સુરત પાલિકાએ જે સર્વે કર્યો છે તેમાં SOP માં મિલકતદારો સાથે સાથે સ્થળ તપાસ કરનાર અધિકારીઓ, કર્મચારીઓની પણ સીધી જવાબદારી નક્કી કરાશે. જેના કારણે આગામી દિવસોમાં દરેક ઝોન દ્વારા મિલ્કતદારો પાસે એફિડેવીટ લેવા માટે કામગીરી શરુ કરવામાં આવશે.
નવી SOP માટે ઝોનની કામગીરી પણ નક્કી કરવામાં આવી
સુરત પાલિકાએ 50 કે તેથી વધુ લોકો ભેગા થાય તેવી 7600 કરતાં વધુ મિલકત શોધી કાઢી અને હજી સર્વેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત નવી SOP માટે ઝોનની કામગીરી પણ નક્કી કરી દેવામાં આવી છે. જેના આધારે ઝોન વિસ્તારમાં આવેલી મિલ્કતોની ઓળખ કરવા સાથે તેની ડેટાબેઝ યાદી તૈયાર કરવામાં આવશે. પાલિકાના તમામ ઝોન દ્વારા ત્રિમાસિક ધોરણે એટલે કે માર્ચ માસના છેલ્લા અઠવાડિયામાં, જૂન માસના છેલ્લા અઠવાડિયામાં, સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં અને ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયા સુધીમાં સંબંધિત ખાતા-ઝોન દ્વારા યાદી તૈયાર કરવામાં આવશે.
આ સાથે સાથે કોઇ મિલકત ખરાઇ કરવાનું બાકી રહ્યું ન હોવા અંગેનું પ્રમાણપત્ર ખાતાકીય વડા અને વિભાગીય વડાની સહીથી મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગના આપવાનું રહેશે. આ અંગેના રજીસ્ટર્ડ, કોમ્પ્યુટરાઈઝ ડેટાબેઝ તૈયાર કરવાનો રહેશે. વિવિધ કેટેગરીમાં સમાવિષ્ટ મિલકત બાંધકામ વપરાશ પરવાનગી ધરાવે છે કે કેમ એની યાદી સોફ્ટવેરમાં ઇનપુટ કરી ડેટાબેઝ પણ તૈયાર કરાશે.
[ad_1]
Source link