- તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા લોકોને ભારે મુશ્કેલી
- લોકોએ અગાઉ મોટું નાળુ બનાવવાની રજૂઆત કરી છતા કોઇ કાર્યવાહી નહી
- ધોવાણ થયેલ જગ્યા એ એક નાની કાચી નહેર પસાર થાય છે
શિનોર તાલુકાના સુરાશામળ અને માંડવા માર્ગ બે વર્ષ પહેલા બનાવેલ માર્ગની આજુબાજુ વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનો દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને મોટું નાળુ બનાવવાની રજૂઆત કરી હોવા છતાં બહેરા તંત્રે કઈ સાંભળ્યું નહીં. જેના કારણે માર્ગ નીચે માટીનું ધોવાણ થવાથી માર્ગ બેસી જતાં તંત્ર દ્વારા જ મોટું નુકશાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
શિનોર તાલુકાના સુરાશામળ અને માંડવા ગામને જોડતો માર્ગ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત આશરે 65 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ ચાર દિવસ થી વરસાદની હેલ થતા વરસાદી પાણી ના નિકાલ માટે બંને બાજુ કાંસના હોવાના કારણે વરસાદના પાણી માર્ગ પર આવી ગયા હતા. અને માર્ગની બંને બાજુ ભરાઈ રહેતા હતા. જેને કારણે માર્ગની નીચે દબાણ કરેલ માટી ધોવાઈ જતા માર્ગ બેસી જતા અનેક સવાલો ઉઠવા પામેલ છે. માર્ગ બેસી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે કેટલાક મોટર સાઈકલો ના ચાલકો જીવ ના જોખમે ધોવાણ થયેલ રોડ ઉપરથી પસાર થતાં જોવા મળી રહ્યા છે. ધોવાણ થયેલ જગ્યા એ એક નાની કાચી નહેર પસાર થાય છે.
જે નહેરમાંથી વરસાદી પાણીના વહેન મોટી માત્રામાં વહેતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા એક નાળુ મૂકવા માટે જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી. જો કે સ્થાનિક ગ્રામજનોની રજુઆતને નજર અંદાજ કરી નાળુ મૂકવામાં આવ્યું ન હતું. જેના પરિણામે પ્રથમ સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાણ થઈ ગયો છે. જેને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.