- વિપરિત ભૂસ્તરિય પરિસ્થિતિ વચ્ચે ટૅક્નોલોજીના સમન્વયથી
- આગામી ચૈત્ર નવરાત્રિ પહેલાં લિફ્ટનું કામ પૂર્ણ કરાશે
- યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે વિપરીત ભૂસ્તરીય પરિસ્થિતિ વચ્ચે ટેકનોલોજીના સમન્વયથી ડુંગર પર બે લિફ્ટનું કામકાજ ચાલી રહ્યું છે..
હાલમાં પાવાગઢ આવતા યાત્રાળુઓ માંચી થી રોપ વે દ્વારા રોપ વે અપર સ્ટેશન પર ઉતરી ત્યાંથી ડુંગર પર જતા હોય છે. જેમાં યાત્રાળુઓને એક કિલોમીટર જેટલું સામાન્ય ચઢાણવાળું ચાલવાનું હોય છે. ત્યારબાદ શક્તિ દ્વારથી બીજા 360, કષ્ટદાયક પગથીયા ચઢયા બાદ નિજ મંદિર ખાતે યાત્રાળુ માતાજીના દર્શનાર્થે પહોંચતો હોય છે. આવા સંજોગોમાં વૃદ્ધો તેમજ બાળકો સરળતાથી ડુંગર પર પહોંચી શકે અને જગત જનની ના કાલિકાના દર્શન થકી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે તે અર્થે મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક વર્ષથી છાસિયા તળાવથી નીજ મંદિર સુધી અંદાજિત રૂા. 20 કરોડના ખર્ચે બે લિફ્ટનું નિર્માણ કાર્ય ટેકનોલોજી ના માધ્યમથી હાથ ધરવામાં આવ્યું છે. ડુંગર પર 70 મીટર ઊંચાઈ એટલે કે 210 ફૂટ ઊંચી બે લિફ્ટ નું નિર્માણ કાર્ય છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. અને તે આવતી ચૈત્રી નવરાત્રી પહેલા પૂર્ણ થશે બાદ લિફ્ટ ને મંદિરથી જોડતો 39 મીટરનો એટલે કે 117 ફૂટના બ્રિજનું પણ નિર્માણ કરાશે.