રૂપિયા 28 હજાર મેળવી બે એજન્ટોએ બેન્કમાં જમા ન કરાવ્યા
ભુજ: ભુજમાં રહેતા મહિલાને બેન્કમાં તેમની સ્કુટરની લોનના બાકી રહેતા ૫૦ હજારની જગ્યાએ ૨૮ હજાર મેળવી સેટલમેન્ટ કરી દેવાના નામે લોન રીકવરી બે એજન્ટોએ નાણા બેન્કમાં ન ભરી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
ભુજના મુંદરા રોડ પર ભક્તિપાર્કમાં રહેતા કવિતાબેન મહેશભાઈ રાજપુત નામના મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકે આઇડીએફસીબેન્કમાં લોન રીકવરી એજન્ટ તરીકે કામ કરતા દિવ્યરાજસિંહ પરમાર અને યશરાજસિંહ જાડેજા નામના બે યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગત ૮ એપ્રિલના રોજ બન્યો હતો. ફરિયાદી મહિલાએ એક્સેસ ગાડી લોન પર લીધી હોઇ જેના હપ્તા ચાલુ હતા. દરમિયાન ત્રણ હપ્તા ચડી જતાં બેન્કના લોન રીકવરી એજન્ટ દ્વારા ફરિયાદ મહિલાની ગાડી ખેચી લેવાઇ હતી. ત્યારે ફરિયાદ મહિલાએ થોળા હપ્તા ભરીને ગાડી પરત મેળવી લીધી હતી. દરમિયાન બેન્કના રીકવરી એજેન્ટ દિવ્યરાજસિંહ પરમારે ફરિયાદી મહિલાની પુત્રીને ફોન કરીને બેન્કમાં લોનના ૫૦ હજાર બાકી છે. તમે અમોને ૨૮ હજાર આપશો તો, બેન્કના અધિકારીઓ સાથે સેટલમેન્ટ કરીને લોન પૂર્ણ કરી આપશું તેવું જણાવી ૨૮ હજાર ફરિયાદી મહિલા પાસેથી મેળવીને લોન સેટલમેન્ટનો લેટર આપવાની વાત કરી હતી. અને વોટ્સએપ પર સેટલમેન્ટનો લેટર મોકલ્યો હતો. ફરિયાદીની દિકરીએ બેન્કમાં તપાસ કરતાં બેન્કમાં રૂપિયા ભરાયા ન હોવાનું તેમજ સેટલમેન્ટ લેટર ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ આરોપીઓ દ્વારા અન્ય એક વ્યક્તિ સાથે પણ લોનમાં સેટલમેન્ટના નામે ઠગાઇ કરાઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.