-અલારસા સહકારી મંડળીના વાઈસ ચેરમેને વાંધા અરજી કરી હતી
– ઉનેલી, નિસરાયા, દેદરડા, મોટી શેરડી, જૂના બદલપુર અને કંકાપુરા સહકારી મંડળીના મતદારો રદ ઃ ૭૨૮ના બદલે હવે ૬૨૫ મતદારો મતદાન કરશે
– ચાર વર્ષથી ધિરાણ ન કરવા સહિતના કારણોસર મતદારોને રદ કરાયા
આણંદ: બોરસદ એપીએમસીની ચૂંટણી માટે જાહેર કરાયેલી મતદાર યાદી સામે અલારસા સેવા સહકારી મંડળીના વાઈસ ચેરમેને વાંધા અરજી દાખલ કરી હતી. જેની ગુરૂવારે સુનાવણી થતાં ચૂંટણી અધિકારીએ ૩૭માંથી ઉનેલી, નિસરાયા, દેદરડા, મોટી શેરડી, જૂના બદલપુર અને કંકાપુરા સહકારી મંડળીના ૧૦૩ મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા. જેથી ચૂંટણીમાં હવે ૭૨૮ના બદલે ૬૨૫ મતદારો મતદાન કરશે. બોરસદ એપીએમસીની ૧૪ બેઠકો માટે આગામી માસમાં ચૂંટણી યોજાવાની છે. જેથી ગત અઠવાડિયે મતદારોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં ૩૭ સહકારી મંડળીઓના ૭૨૮ મતદારો નોંધાયા હતા. તેવામાં અલારસા સેવા સહકારી મંડળીના વાઈસ ચેરમેન અશોકભાઈ મહિડાએ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત પુરાવા સાથે મતદાર યાદી સામે વાંધા અરજી કરી હતી. આ સંદર્ભે ગુરૂવારે ચૂંટણી અધિકારીએ સુનાવણી હાથ ધરી હતી. જેમાં વાંધા અરજીના આધારે ૬ મંડળીઓ ગેરકાયદે હોવાનું સાબીત થતાં ૧૦૩ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. રદ કરવાના કારણોમાં જણાવ્યા મુજબ, ઉનેલી સહકારી મંડળીએ વર્ષ ૨૦૨૧-૨૨માં ધિરાણ નહીં કરીને ત્યાર બાદના બે વર્ષમાં ધિરાણ કર્યું હતું, જે મતદાર યાદીમાં નામ ખાતર કર્યું હોવાનું જણાઈ આવતા મત રદ કરાયા હતા. તેમજ નિસરાયા મંડળીમાં ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન કોઈ ધિરાણ કરાયું ન હતું, માત્ર ધિરાણ વસૂલાત કરવામાં આવતા નિયમો મુજબ ગેરકાયદે હોવાનું જણાવી ૮ મતો રદ કર્યા હતા.
તેમજ દેદરડા મંડળીએ વર્ષ ૨૦૨૧થી ૨૪ દરમિયાન ધિરાણ પ્રવૃતિ ન કરી માત્ર રજીસ્ટર મેન્ટેન કરતા ૨૧ મત રદ કર્યા હતા. જ્યારે મોટી શેરડી, જૂના બદલપુર અને કંકાપુરામાં પણ ધિરાણ પ્રવૃતિ ન કરતા પ્રત્યેકના ૨૧ મતો રદ કરાયા હતા. નવી જાહેર કરાયેલી મતદાર યાદીમાં ૭૨૮ના બદલે ૬૨૫ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
– વાંધા અરજી કરનાર અશોક મહિડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ છે
વાંધા અરજી કરનાર અશોક મહિડા બોરસદ તાલુકા ભાજપના ઉપપ્રમુખ છે. તેમના પત્ની માનસીબેન જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્ય છે. ભાજપ સાથે ગાઢ રીતે સંકળાયેલા અશોકભાઈએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રમણ સોલંકીને મત મેળવવા મદદ કરી હતી. અત્યારસુધી એક પણ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર બોરસદ માર્કેટયાર્ડના ચેરમેન બન્યા નથી. જ્યારે મતદાર યાદીમાંથી રદ કરાયેલા મતદારો કોંગ્રેસ સમર્થિત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અશોકભાઈની અરજીના કારણે ૧૦૩ મતદારો રદ થતાં તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે.
રદ કરાયેલી સહકારી સેવા મંડળીઓ અને તેના મતદારો |
|
મંડળી |
મતદારો |
ઉનેલી |
૧૧ |
નિસરાયા |
૦૮ |
દેદરડા |
૨૧ |
મોટી શેરડી |
૨૧ |
જૂના બદલપુર |
૨૧ |
કંકાપુરા |
૨૧ |
કુલ |
૧૦૩ |