- ખેડૂતે 40 ગુંઠા જમીનમાં સફેદ ચંદનની ખેતી કરી છે : 12 વર્ષની મહેનત પાણીમાં
- તસ્કરો થડના અંદરના લાકડાનો ખાસ ભાગ જ કાઢીને લઇ ગયા
- એક ખેડૂતના ખેતરમાં વાવેલા સફદે ચંદનના દશ ઝાડ કાપી નાંખ્યા હતા
દહેગામના પાલૈયામાં ચંદનચોર ત્રાટક્યા હતા. એક ખેડૂતના ખેતરમાં વાવેલા સફદે ચંદનના દશ ઝાડ કાપી નાંખ્યા હતા. કાપેલા ઝાડને નજીકના ખેતરમાં લઈ જઇ થડની અંદરનો ખાસ મોંઘો ભાગ ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. આ મામલે 40 હજારના મુદ્દામાલ ચોરીની ફરીયાદ દહેગામ પોલીસમાં નોંધવામાં આવી હતી.નાંદોલથી નીલકંઠ મહાદેવ તરફ જતા રસ્તા ઉપર આવેલા ઔષધિય વનમાંથી પણ ગયા વર્ષે ચંદનના ઝાડની ચોરીની ઘટના બની હતી.
આ મામલે મળતી વિગતો મુજબ દહેગામના પાલૈયામાં રહેતા ભુપેન્દ્રભાઇ હરીભાઇ પટેલ ચંદનની ખેતી કરે છે. દહેગામથી બાયડ રોડ ઉપર તેમનુ બોરવાળુ ખેતર આવેલુ છે. આ બોરવાળા ખેતરમાંથી 12 વર્ષ પહેલા 40 ગુંઠા જમીનમાં સફેદ ચંદનની ખેતી કરી હતી. 12 વર્ષ પહેલા વાવેતર કરેલા સફેદ ચંદનના છોડ આજે મોટા ઝાડ બની ગયા છે. મંગળવારે સાંજે ખેતરમાંથી કામકાજ પતાવીને આઠેક વાગે ઘરે આવ્યા હતા. બીજા દિવસે સવારે સાત વાગે ખેતરમાં ગયા ત્યારે ચંદનના ઝાડવાળા ખેતરમાં ઝાડ કાપેલા જોવા મળ્યા હતા. કેટલાક ઝાડ નીચે પડેલા હતા. ઝાડ પાસે જઇને જોતા સફેદ ચંદનના ઝાડના થડમાં નીચે ખાડો કરીને કાપી નાંખ્યા હતા. કુલ દશ ઝાડ કાપી નાંખેલી હાલતમાં જોેવા મળ્યા હતા. તસ્કરો કપાયેલા ઝાડના નીચેના જાડાઇવાળા ભાગથી ઉપરના ચાર ફુટ જેટલો ભાગ કાપીને લઇ ગયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. તસ્કરો ચોરી લઇ ગયા તે થડનો ઘેરાવો 19 થી 21 ઇંચ જેટલો હોવાની વિગતો છે. આ મામલે ભુપેન્દ્રભાઇ પટેલે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ દહેગામ પોલીસમાં 40 હજારની કિંમતના દશ નંગ સફેદ ચંદનના ઝાડના ટુકડાની ચોરી અંગે ફરીયાદ નોંધાવી હતી.
સફેદ ચંદનનો મહત્તમ ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ અને પરફ્યુમ બનાવવામાં થાય છે
સફદે ચંદનની ખેતી ભારતમાં થવા લાગી છે. ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે હવે ચંદનની ખેતી પણ કરવા લાગ્યા છે. ચંદનનો છોડ બાર વર્ષે હજારોની કિંમતનો થઇ જાય છે. તેનુ વેચાણ ઉંચી કિમતે થતુ હોવાની વિગતો છે. ચંદનને પવિત્ર લાકડુ માનવામાં આવે છે. પુજામાં તિલક લગાવાથી લઇને બ્યુટી પ્રોડક્ટસ અને પરફ્યુમમાં તેનો સારો ઉપયોગ થાય છે.ચંદન ઓૈષધિય ઝાડ હોવાથી તેના ઘણા ઓૈષધિય ઉપયોગો પણ થાય છે. આયુર્વેદમાં ચંદનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ઝાડમાથી 20 કિલો જેટલુ સખત ઉપયોગી લાકડુ મળતુ હોવાની વિગતો છે. લાલ તથા સફેદ સહીત જુદી જુદી ચંદનની જાતો અનેક રીતે ઉપયોગી હોવાની વિગતો છે.
સફેદ ચંદનનો બિન ઉપયોગી ભાગ ખેતરમાંથી મળી આવ્યો
ખેડૂતે ચંદનના ઝાડ અંગે આસપાસમાં તપાસ કરી તો નજીકના ખેતરમાંથી બિનઉપયોગી લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ખેડૂતના ખેતર પાસેથી બાયડ તરફ જતા રોડની સામેની બાજુ એક ખેડૂતના ખેતરમાં ચંદનના ઝાડના થડના લાકડા પડયા હતા. આ થડના લાકડામાંથી અંદરનો ખાસ ભાગ કોઇ ચોર ઇસમ લઇને ફરાર થઇ ગયા હોવાની વિગતો જાણવા મળી હતી. સફેદ ચંદનના થડનો અંદરના ભાગના લાકડાનો ભાવ ઉંચો મળતો હોવાથી તસ્કરો લઇ ગયા હતા. દોઢ મહિના પહેલા પણ આજ ખેડૂતના ખેતરમાંથી ચાર ઝાડ કાપીને તસ્કરો લઇ ગયા હોવાની વિગતો છે. દોઢ મહિનામાં બીજીવાર ચોરો ત્રાટક્યા હોવાની વિગતો છે.