- સર્વિસ રોડના અભાવે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી
- સત્વરે કામ પૂરું કરાવવા નેશ ગામના વતની દ્વારા આવેદન પત્ર આપ્યું
- નવિન બ્રિજની કામગીરી ચાલી રહી છે
ડાકોરમાં નવા બની રહેલા ફ્લાય ઓવર બ્રિજ અઢી વર્ષે પણ અધુરો છે. ધીમી કામગીરીથી કંટાળી ગયેલા નાગરિકોમાં રોષ જોવામળી રહ્યો છે.જે અંગે ડાકોર ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગની નાયબ ઇજનેરની કચેરી ખાતે ગુરુવારે ઠાસરા તાલુકાના નેશ ગામના વતની ડો.મિલન સી.પટેલ દ્વારા કચેરીના જવાબદાર અધિકારી પ્રતિક સોનીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
ડાકોર-રખીયાલ ફટકથી ઉમરેઠ રોડથી કપડવંજ રોડ બ્રીજની બંન્ને સાઈડ સર્વિસ રોડ ન બનતા રાહદારીઓને અકસ્માતે પડી જવાનો ભય જોવા મળી રહ્યો છે. વાહનચાલકોને પીઠમાં દર્દ થઇ જાય તેવો ઉબડખાબડ રોડથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવિન બ્રિજની કામગીરી ચાલી રહી છે અને સાઇડમાં સર્વિસ રોડ ન બનતા લોકો અકસ્માતનો ભોગ બને છે. આથી નેશ ગામના વતની ડો.મિલન પટેલ તેમજ ડાકોર ગામના યુવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અને બ્રિજનું કામ સત્વરે ઝડપથી પુરું કરવામાં આવે તેવી માગણી કરાઈ છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ડાકોર નગર પાલિકા દ્વારા સર્વિસ રોડની ગટરો ઉભરાય છે તેનુ રીપેરીંગ કામ ન થવાથી સર્વિસ રોડનું કામ થતું નથી. છતાં પણ સવિસ રોડ એકાદ મહિનામા બની જશે તેવી બાંહેધરી આપી હતી. જો સર્વિસ રોડ નહિ બને તો ડાકોરની મેઈન ચોકડી ઉપર ઉપવાસ આંદોલન શરૂ કરીશું તેવું ડો.મિલન પટેલ જણાવે છે. રાજકીય નેતા આવે તો એક જ દિવસમાં રોડ થઇ જાય તો આમ જનતા માટે કેમ નઈ? અનેક સવાલો ઉભા થયા છે.