કચ્છ: સાપ પણ પર્યાવરણનો ભાગ છે. તેથી તેને મારી નાખવો યોગ્ય નથી. આવી વિચારધારા સાથે ઘણા લોકો સાપનું રેસ્ક્યૂ કરવાનું કામ કરે છે. કચ્છ જિલ્લાના સરહદી અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની (સર્પદંશની) ઘટનાઓ વધુ બનતી હોય છે. સર્પદંશના કારણે ઝડપી અને યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે. ત્યારે કચ્છ જિલ્લાના મનફરા ગામના 75 વર્ષીય વૃદ્ધ એકપણ રૂપિયો લીધા વિના સાપને પકડે છે અને જંગલ વિસ્તારમાં છોડી મૂકે છે.
સાપ પકડવાનો મુખ્ય ઉદ્દેશ્ય જીવદયા
40 વર્ષથી સાપ પકડે છે વૃદ્ધ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મનફરા ગામના કંથડનાથજી સોસાયટીમાં રહેતા 75 વર્ષીય ગૌરીગર દાનગર ગોસ્વામી છેલ્લાં 40 વર્ષથી એકપણ રૂપિયો લીધા વિના સાપ પકડવાનું કાર્ય કરે છે. તેમણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ સાપ પકડ્યા છે. સાપને પકડીને જંગલ વિસ્તાર અથવા તો સુરક્ષિત વિસ્તારમાં મૂકી દે છે.
75 વર્ષીય ગૌરીગર દાનગર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “લોકોના ઘરમાં સાપ નીકળે છે ત્યારે ઘણા લોકો તેને મારી નાખે છે. ત્યારે લોકો સાપને મારે નહીં તેવા જીવદયાના હેતુથી હું એકપણ રૂપિયો લીધા વિના સાપ પકડવાનું કાર્ય કરું છું.” ગૌરીગર ગોસ્વામીએ અત્યાર સુધીમાં 2 હજારથી વધુ સાપનો રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે મૂકી આવે છે.
ડબ્બામાં પુરાયેલો એક સાપ અદૃશ્ય થઈ ગયો
સાપનું રેસ્ક્યૂ કરતી વખતે ગૌરીગર ગોસ્વામીને અજબ-ગજબના કિસ્સાઓ પણ બન્યા છે. આવો એક કિસ્સો જણાવતા તેમણે કહ્યું કે, “એક વખત હું મારા મિત્રના ઘરે સાપ પકડવા ગયો હતો. ત્યારે મેં સાપને ડબ્બામાં પૂરીને સુરક્ષિત વિસ્તારમાં ડબ્બામાંથી બહાર કાઢવા ગયો હતો. પરંતુ જ્યારે મેં ડબ્બામાં જોયું તો તેમાં સાપ ન હતો. સાપ અદૃશ્ય થઈ ગયો હતો. આ જોઈને હું તથા મારા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર