– દરોડામાં વાહ નહીં ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલ
– સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂા. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
સુરેન્દ્રનગર : ચોટીલાના મફતીયાપરા વિસ્તારમાં મહિલા સહિત છ શખ્સ જુગાર રમાતા ઝડપાયા છે. પોલીસે દરોડામાં રોકડ, મોબાઇલ સહિત ૧.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા શહેરના મફતીયાપરા વિસ્તારમાં નવગ્રહ મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ધીરૂભાઈ ભીખાભાઈ ચૌહાણ, જયદિપભાઈ પ્રવિણભાઈ બોરાણા, રાજુભાઈ પલાભાઈ સુરેલા (તમામ રહે.ચોટીલા), ગોપાલદાસ વિષ્ણુદાસ ગોંડલીયા (રહે.નાના કાંધાસર), સંજયભાઈ સોમાભાઈ ચાવડા (રહે.રાજકોટ) અને રેશ્માબેન યાસીનભાઈ રફાઈ (રહે.રાજકોટવાળા)ને ચોટીલા પોલીસે રોકડ રૂા.૯૦,૩૦૦ તેમજ ૪ મોબાઈલ કિંમત રૂા.૨૦,૦૦૦ મળી કુલ રૂા.૧,૧૦,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.
જુગારમાં ઝડપાયેલ ૬ શખ્સો પૈકી બે શખ્સો રાજકોટ ખાતે રહે છે અને ત્યાંથી જુગાર રમવા ચોટીલા સુધી આવ્યા હતા. છતાં ચોટીલા પોલીસે દરોડા દરમિયાન માત્ર રોકડ રકમ અને મોબાઈલ જ મુદ્દામાલમાં દર્શાવ્યા છે. કોઈ વાહનો અંગે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરવામાં ન આવતા ચોટીલા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.