- જવાહરનગરની સીમમાં પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી
- શ્રાાવણ માસમાં કચ્છમાં ઠેર-ઠેર ધમધમતા જુગારધામો
- ગાંધીધામ પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, મોબાઈલ, વાહનો જપ્ત કર્યા
ગાંધીધામ તાલુકાના જવાહર નગર ગામની સીમમાં જુગાર રમતાં 12 આરોપીને પોલીસે કુલ રૂ.10,04,400 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. તમામની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગાંધીધામ એ ડિવીઝન પોલીસનીટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, નેશનલ હાઇવ 9-એ પર જવાહરનગર સીમમાં ગાયત્રી પેટ્રોલ પંપ પાસે કોટા પંજાબ કોમ્પ્લેક્સ સામે કેટલાક ઇસમો ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહ્યા છે, તેથી તાત્કાલિક ધોરણે પોલીસે ત્યાં જઇને દરોડો પાડયો હતો. આ દરોડામાં વિશાલ શામજીભાઇ આહિર, કિરણ શામજીભાઇ આહીર, સુમિત શામજીભાઇ આહિર, રમેશ મહાદેવભાઇ આહિર, વીરમ ભીખાબાઇ આહિર, આનંદ ગગુભાઇ આહિર, જખુ શંભુબાઇ આહિર, નિરવ મહેન્દ્રભાઇ કલારિયા, મયુર લાલજીભાઇ કલારિયા, સુનિલ બાબુભાઇ આહિર, દર્શન રામજીભાઇ આહિર તેમજ મુકેશ શામજીભાઇ આહિરને પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ.54,400, મોબાઇલ 11 (કિં.રૂ.3,50,000), રૂ.6 લાખની કિંમતનં 3 વાહનો મળીને કુલ રૂ.10,04,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જે મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.