– પ્રોજેક્ટ માટે 819 આસામીને નોટિસ, હજુ કામગીરી શરૂ રહેતા સ્થાનિકોનો વિરોધ
– ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિના નેજા તળે નિકળેલી રેલીમાં દબાણ હટાવતા પૂવે સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કમિશનર સમક્ષ માંગ કરાઈ
ભાવનગર : શહેરના ગઢેચી વોટર બોડીના શુધ્ધિકરણના પ્રોજેક્ટને સાકાર કરવા મહાપાલિકા દ્વારા સ્થાનિકોને નોટિસ ફટકારાતાં આજે ભાવનગર ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિની આગેવાનીમાં સ્થાનિકોએ શહેરના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજી મ્યુનિ. કચેરીને ઘેરાવ કર્યો હતો. અને હલ્લાબોલ કરી દબાણ હટાવકતાં પૂર્વે સ્થાનિકો માટની વૈકલ્પિક વ્યવસ્થા કરવા કમિશ્નરને આવેદન આપી રજૂઆત કરી હતી.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગૌરીશંકર તળાવ (બોર તળાવ)થી ક્રીક સુધીના ગઢેચી વોટર બોડીના શુધ્ધિકરણના પ્રોજેક્ટ માટે ોટર બોડીના બંને કાંઠે રહેતા આશરે ૮૧૯ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અને હજુ પણ મ્યુનિ. તંત્ર દ્વારા આ કામગીરી ચાલું છે તેવામાં આજે ભાવનગર ઝુંપડપટ્ટી હિત રક્ષા સમિતિની આગેવાનીમાં સ્થાનિક રહેવાસીઓના સમૂહે આજે બપોરે શહેરના નિલમબાગથી વિશાળ રેલી યોજી હતી. જે તમામે મહાપાલિકા કચેરીએ આવી કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. અને પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકા દ્વારા સ્થાનિકોની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર દબાણ કાર્યવાહી શરૂ કર્યાનો આક્ષેપ કરી તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રેલીમાં ભાજપ હાય… હાય…ના નારા લાગ્યા હતા. આ તકે, સમિતિના નેજા તળે કોંગ્રેસના આગેવાનો સહિત સ્થાનિક રહિશોએે મહાપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો.આ પણ અધુરૂં હોય તેમ આ મામલો ગરમાતાં સ્થાનિકો અને સમિતિના સમભ્યોએ હલ્લાબોલ કરતાં થોડા સમય માટે કચેરીનું વાતાવરણ ગરમાયું હતું. જો કે, વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ આગેવાનો અને પોલીસ અધિકારી વચ્ચે ચકમક સર્જાઈ હોવાની ચર્ચા છે. જો કે, થોડા સંઘર્ષ બાદ સમિતિના નેજા તળે સ્થાનિકોએ કમિશનરને મળી દબાણ હટાવતાં પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં છેલ્લા ૨૫ વર્ષથી શાસક ભાજપ દ્વારા કંસારા શુધ્ધિકરણના પ્રોજેકટની વાતો કરવામાં આવી રહી છે અને આ પ્રોજેકટનું ત્રણ વાર નામ પણ બદલવામાં આવ્યું છે તેમજ ત્રણ વખત ખાત મુહૂત કરી કંસારા શુધ્ધિકરણ, કંસારા નવિનીકરણ અને કંસારા સજીવીકરણ વગેરે નામ આપ્યા હતા છતાં આ કામ ચાલુ કર્યા પછી પણ ઘણો સમય પસાર થવા છતા કામ પણ પૂર્ણ થયું નથી. આજે આ પ્રોજેકટના સ્થળ પર મોટા વૃક્ષો ઉગી ગયા છે અને લોકોના ઘરોની ડ્રેનેજ લાઈન આ પ્રોજેકટમાં જોડી દેવામાં આવી છે તેથી આસપાસમાં રહેતા લોકોનાં આરોગ્ય ઉપર અસર પડે છે. આ પ્રોજેકટ સંપૂર્ણ પૂર્ણ નથી થયો ત્યાં નવો ધોબી ઘાટથી લઇ મોતીતળાવ સુધી ગઢેચી શુધ્ધીકરણનો પ્રોજેકટ મુક્યો છે. ભાવનગરના વિકાસ માટે કામ થતુ હોય તે સારી બાબત છે પરંતુ ગરીબ લોકોના ઝુંપડા અને મકાનો હટાવી આ પ્રોજેકટ સાકાર કરવામાં આવતો હોઈ તો તંત્રએ પહેલાં ગરીબ અને મજૂર માણસોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.