- 2 ટર્મથી અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક
- હાલમાં બેઠક પર કોંગ્રેસનો કબજો
- કોળી, દલિત, કરાડિયા, મુસ્લિમ સમાજની સંખ્યા
ગીર સોમનાથ જિલ્લામાં આવેલી મહત્વની કોડિનાર વિધાનસભા બેઠક જે ગીરની નજીક આવેલો આ વિસ્તાર એક તરફ કૂદરતી સૌંદર્ય અને દરિયાનો અફાટ નઝારો ધરાવે છે. અહીં કોંગ્રેસનો પંજો છવાયેલો છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલી આ બેઠક 92-કોડીનાર વિધાનસભા તરીકે ઓળખાય છે. છેલ્લી 2 ટર્મથી આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે, અને ઓછામાં ઓછી હજુ એક ટર્મ અનામત રહેશે. ચાલુ ટર્મમાં આ બેઠક કોંગ્રેસ પાસે છે, અને ધારાસભ્ય છે મોહન વાળા છે. કોડિનાર બેઠક પર સવા બે લાખ જેટલા મતદાતાઓ છે.
છેલ્લા 5 ટર્મના પરિણામો
1995, 1998, 2002, 2007 અને 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા છે. જ્યારે કોંગ્રેસ 2009ની પેટાચૂંટણીમાં જીતવામાં સફળ રહી હતી. અગાઉ ભાજપનો ગઢ મનાતી આ બેઠક પર 2017માં પણ કોંગ્રેસ છવાઈ હતી. 2017માં ભાજપે સિટિંગ એમએલએની ટિકિટ કાપીને નવોદીત ઉમેદવાર રામભાઈ વાઢેરને મેદાનમાં ઊતાર્યા હતા. સામા પક્ષે કોંગ્રેસે મોહન વાળાને ટિકીટ આપી હતી અને મોહન વાળા ચૂંટાયા હતા.
જાતિગત સમિકરણો
કોડીનાર વિધાનસભા બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણો જોઈએ.આ મતવિસ્તારમાં સૌથી વધુ કોળી સમાજના મતદારો છે. આ બાદ કારડીયા સમાજ અને દલિત, આહીર,લેઉવા પટેલ,મુસ્લીમ સમાજના મતદારો આવેલા છે. આમ જોવા જઈએ તો બેઠક પર કોળી અને કારડીયા સમાજનું મહદઅંશે પ્રભુત્વ જોવા મળે છે. પરંતુ બેઠક અનામત હોવાના કારણે દલિત સમુદાયનુ પલડું પણ એટલું જ ભારે છે. મતોની સંખ્યામાં ત્રીજા ક્રમે આવતો હોવા છતાં દલિત સમાજ વજનદાર સ્થિતિમાં છે. આમ, અહીં કારડિયા સમાજ અને દલિત સમાજને જે સાથે રાખી શકે તેનો દબદબો નિશ્ચિત છે.
2017ના પરિણામ
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં કોડીનાર વિધાનસભા 92માં ક્રમાંકે છે અને આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાએ ભાજપ ઉમેદવાર રામભાઈ વાઢેરને જંગી બહુમતીથી હાર આપી હતી.