- પાંચ દિવસની વનવિભાગની લગાતાર મહેનત બાદ મળી સફળતા
- માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
- દીપડાને પણ વ્હેલી તકે પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે પાંચ દિવસ પહેલા મહિલા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડો આજે વ્હેલી સવારે પાંજરે પુરાતા વન તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે વિગત મુજબ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામની મહિલા કૈલાસબા(ઉ.વ.48) ઉપર આજથી પાંચ દિવસ પહેલા દીપડાએ જીવલેણ હુમલો કરતાં કૈલાસબાનું કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજતા વન તંત્ર અને ગ્રામજનો દ્વારા આ માનવભક્ષી દિપડાને પકડી પાડવા 12 પાંજરા સાથે 15 થી વધુ વન કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી અને સી.સી. ટી.વી.કેમેરા લગાવી વોચ ગોઠવી ભારે જહેમત કરતા આખરે પાંચ દિવસની ભારે મહેનત બાદ આજે વ્હેલી સવારે ઘટના સ્થળેથી 300 મીટરની નજીક ગામના ઝાંપામાંથી જ 7 થી 8 વર્ષનો નર માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા વનતંત્રએ દીપડાના ફૂટ માર્કના આધારે આ જ દીપડો માનવભક્ષી હોવાનું પ્રાથમિક તબક્કે જાહેર કરતા વન તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો, જો કે હજુ પણ આ વિસ્તારમાં ચાર થી પાંચ દીપડાએ આંટા ફેરા મારી રહ્યા હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલ હોય વન તંત્ર દ્વારા આ દીપડાને પણ વ્હેલી તકે પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી છે.