- જર્જરિત અને ઊબડખાબડ રોડ નવો બનાવી આપવા અનુરોધ
- કપડવંજના ટાઉનહોલથી નાની રત્નાકર માતા રોડ પહોળો કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી
- રાજ્યના મુખ્યમંત્રી પોર્ટલ ઉપર ફરિયાદ કરી
કપડવંજના સામાજીક કાર્યકર અને સહકારી આગેવાને કપડવંજના ટાઉનહોલથી નાની રત્નાકર માતા રોડ પહોળો કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.આ રોડ ઘણા સમયથી જર્જરિત અને ઉબડ ખાબડ થઈ ગયો છે જેથી રોડ નવો બનાવી પહોળો કરવા અનુરોધ કર્યો છે.
કપડવંજ તાલુકાના સોનીપુરાના ગામના સામાજીક અને સહકારી આગેવાન અનંત દ્વારકાદાસ પટેલે રાજ્યના મુખ્યમંત્રી પોર્ટલ ઉપર ફરિયાદ કરી તેમાં જણાવ્યું છે કે કપડવંજ ટાઉનહોલથી નાની રત્નાકર માતાજીના મંદિર સુધીનો આશરે ત્રણ કી.મી.નો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે.આ રોડ બનાવવા માટે લાગતા-વળગતા અધિકારીઓને અવાર-નવાર રજૂઆતો કરી છે. પરંતુ આજદીન સુધી કોઈ પરિણામ આવ્યું નથી.આ રસ્તો ખેડા જિલ્લા પંચાયત હસ્તક છે અને કપડવંજ શહેર ટાઉનહોલથી નાની રત્નાકરત માતાથી મારાપુરા(પૌરાણિક સોમનાથ મહાદેવ)ને જોડતા રસ્તાને આરસીસી અને ડામર રસ્તાથી પહોળો કરી નવીનીકરણ કરવા અનુરોધ કર્યો છે.
પૂર્વ ધારાસભ્યએ સીએમને રજૂઆત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી આ રસ્તાના નવીનીકરણ માટે અનુરોધ કર્યો હતો.ટાઉનહોલથી રત્નાકર માતા મંદિર રોડ પહોળો કરવા તથા નવીનીકરણ કરવા કાળુસિંહે ઓક્ટોબર-2020માં માર્ગ અને મકાન પંચાયત વિભાગ મારફતે રાજ્ય સરકારની મંજુરી અર્થે દરખાસ્ત તૈયાર કરાવી હતી.