- સમગ્ર ભારતમાં ખુબ ઓછા સ્થાનક પર પારાના શિવલિંગ છે
- ખેડા જિલ્લાના એકમાત્ર પ્રથમ નિર્મિત થવાદ ગામમાં પારદેશ્વર મહાદેવમાં પારાનું શિવલિંગ છે
- પૌરાણિક વાવની વચ્ચે કુદરતના બેનમુન નજારા વચ્ચે મહાદેવ પારદમાં બિરાજમાન છે
સમગ્ર ભારતમાં ખુબ ઓછા સ્થાનક પર પારાના શિવલિંગ છે. જેમાં ખેડા જિલ્લાના એકમાત્ર પ્રથમ નિર્મિત થવાદ ગામમાં પારદેશ્વર મહાદેવમાં પારાનું શિવલિંગ છે. ગામના છેવાડે તળાવ અને પૌરાણિક વાવની વચ્ચે કુદરતના બેનમુન નજારા વચ્ચે મહાદેવ પારદમાં બિરાજમાન છે. જેનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે તેવા પારદેશ્વર મહાદેવ અન્ય શિવલિંગ કરતા વિશેષ મહત્વ ધરાવે છે. તેથી જ થવાદ ગામમાં જ્યારથી આ મહાદેવનું આગમન થયું છે, ત્યારથી ભક્તજનો કૃતજ્ઞતા અનુભવે છે.
કપડવંજથી 15 કિલોમીટર દૂર કપડવંજ-મોડાસા રોડ ઉપર થવાદ ગામમાં પૌરાણિક શિવ મંદિર હતું. પરંતુ તે ખંડિત થઈ જતા ગ્રામજનોએ આ સ્થાનક પર નવું શિવમંદિર બનાવવાનું નક્કી કર્યું. પ્રારંભમાં આ સ્થાન પર માત્ર નવું પથ્થરમાંથી બનાવેલ શિવલીંગ સ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદના રમણભાઈ અંબાલાલ પટેલે ખેડા જિલ્લાના સાતેક અલગ-અલગ સ્થાનમાંથી થવાદ ગામમાં પારદ શિવલિંગની સ્થાપના કરવા માટે પસંદગી ઉતારતા ગ્રામજનોનો હરખથી રમણભાઈના નિર્ણયને વધાવી લીધો. નિઃશુલ્ક પારદ શિવલિંગ થવાદ ગામમાં સ્થાપિત કરવામાં આવ્યું.
ગત તા.31મી જાન્યુઆરી, 2012ના રોજ અંદાજે રૂ. 20 લાખના ખર્ચે નવનિર્મિત પૂર્ણ શાસ્ત્રોક્ત નિયમોનુસાર ભીડભંજન મહાદેવમાં પારદના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતુ. સાથે સાથે પૌરાણિક અને નવીન મંદિરમાં દર શિવરાત્રીએ મેળો ભરાય છે. જેમાં સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લામાંથી પણ ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે. અત્રે પ્રતિ વર્ષે મહાશિવરાત્રી તથા જન્માષ્ટમીએ ભવ્ય મેળો ભરાય છે. ભીડભંજન મહાદેવમાં પારાનું શિવલિંગના નવનિર્માણમાં સમગ્ર ગ્રામજનોના સહિયારા પુરુષાર્થથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્ય આયોજકોના જણાવ્યાનુસાર મંદિરના નિર્માણ કાર્યમાં સમગ્ર ગામની તમામ જ્ઞાતિના લોકોએ નાતજાતના ભેદભાવ વગર નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. મંદિરમાં ક્યાય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર પથ્થરોનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂળ થવાદના અનેક બ્રાહ્મણ, પટેલ સહિત વિવિધ જ્ઞાતિના પરિવારોએ નવનિર્મિત શિવમંદિર માટે માતબર દાનની સરવાણી વહેવડાવી છે.