– પર્યાવરણની જાળવણી માટે કાયદો માત્ર કાગળ પર, જીપીસીબીની ઘોરબેદરકારી
– કેમિકલ કોણે અને કયાંથી ફેંક્યું ? તે બાબતની તપાસ કરી કડક કાર્યવાહી થવી જરૂરી
તળાજા : અલંગ-સોશિયા શીપ યાર્ડના દરિયામાં કેમિકલ ફેંકી સમુદ્રી જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકશાન કરવામાં આવતું હોવાની અનેક ફરિયાદો છતાં જીપીસીબી તેમજ અન્ય સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ કોઈ પગલા ભરતા ન હોવાથી તેમની બેજવાબદારીના પાપે અલંગથી સરતાનપર સુધીના દરિયાકાંઠે ફરી કાળું કેમિકલ ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. આ કેમિકલના કારણે સમુદ્રી જીવસૃષ્ટિ ઉપરાંત પંખીઓના પણ મોત થયા હોવાનો આક્ષેપ કરાયો છે.
પર્યાવરણની જાળવણીને લઈ કાયદો માત્ર પુસ્તક પુરતો જ મર્યાદિત રહ્યો હોય તેવો ખાસ કરીને અલંગ યાર્ડને લઈ લોકોને સતત અનુભવ થયા કરે છે. સરતાનપરના માછીમારો દરિયો ખેડવા ગયા ત્યારે અલંગથી સરતાનપર (બંદર) સુધીના આશરે ૧૫ કિ.મી. જેટલા દરિયા કિનારે અને દરિયાઈ પાણીની ઉપર કાળા કલરનું કેમિકલ જોવા મળ્યું હતું. માછીમારોએ દરિયામાં બાંધેલી જાળમાં કેમિકલ લાગી ગયું જેના કારણે માછલીઓ પણ જોઈતી મળતા તેમને પણ આર્થિક નુકશાન થયું હતું. આ વિસ્તારના ભાજપના આગેવાને જણાવ્યું હતું કે, માછલીઓ અને સફેદ બગલા મરી રહ્યા છે. જ્યારે આ કેમિકમ સૂર્યપ્રકાશથી પ્રવાહી બની જતું હોવાનું એક માછમારે ઉમેર્યું હતું. આ કેમિકલ કોણે ફેંક્યું અને ક્યાંથી ફેંકવામાં આવ્યું તે સહિતની બાબતે તપાસ કરી પર્યાવરણ-સમુદ્રી જીવોને નુકશાની પહોંચાડનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.