Cocaine Recovered in Ankleshwar: ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. રવિવારે (13મી ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી આવકાર ડ્રગ કંપનીના 3 ડિરેક્ટરની સાથે એક સુપરવાીઝર અને એક દલાલની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અશ્વિન રામાણી, બ્રિજેશ કોથિયા, વિજય ભેસાણિયા કંપનીના ડિરેકટર છે.
72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર
અંકલેશ્વર ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા અશ્વિન રામાણી, બ્રિજેશ કોથિયા, વિજય ભેસાણિયા સહિત અન્ય બે આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર કોર્ટ દ્વારા તમામ 5 આરોપીઓના 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપીઓને અંકલેશ્વર કોર્ટથી દિલ્લી લઈ જવામાં આવશે.
આ પણ વાંચો: ખેડામાં પાડોશીએ જ ત્રણ બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ
દિલ્હીમાં ઝડપાયેલા કોકેઈનના તાર ગુજરાત સુધી
અગાઉ, પહેલી ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો હતો અને 562 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટને જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન 10મી ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલોગ્રામ વધારાનું કોકેઈન મળી આવ્યું હતું. જેના તાર ગૂજરાત સાથે જોડાયા હોવાની માહિતી મળતા દિલ્હી અને ગુજરાત પોલીસે અંકલેશ્વરમાં સંયુક્ત ઓપેરશન હાથ ધરી દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો.