સાવરકુંડલા તાલુકાના જુના સાવર નજીક ગઇકાલે સવારના સુમારે એક ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનુ મોત નિપજયું હતુ. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છુટયો હતો. આ બનાવને પગલે યુવકના પરિવારજનોમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.
.
અકસ્માતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના જુના સાવર નજીક બની હતી. વેળાવદરમા રહેતા મનસુખભાઇ મનજીભાઇ રાફુસાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમનો દીકરો પિયુષ ગઇકાલે મોટર સાયકલ નંબર જીજે 04 ઇઆર 1982 લઇને વેળાવદરથી ધારી તાલુકાના ખીસરી ગામ જઇ રહ્યો હતો.
તેનુ બાઇક જુના સાવર નજીક પહોંચ્યુ ત્યારે ડમ્પર નંબર જીજે 36 ટી 7044ના ચાલકે તેની સાથે અકસ્માત સર્જયો હતો. જેને પગલે પિયુષને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. ડમ્પરનો ચાલક ડમ્પર ઘટના સ્થળે મુકીને નાસી ગયો હતો. આ બનાવની વધુ આગળની ધોરણસરની તપાસ પીએસઆઇ એચ.ડી.રાઠોડ ચલાવી રહ્યાં છે.