રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગમાં તલાટી ક્લાર્ક અને નાયબ મામલતદાર જેવા કર્મચારીઓ પોતાની માગણીઓ પૂરી કરવા માટે માસ CL પર ઉતરી ગયા છે. ધોરાજીમાં આવેલા મહેસૂલ સેવા સદનમાં થતાં રોજબરોજના અને મહત્વપૂર્ણ કામો જેમાં લોકોને આવક તથા જાતિના દાખલા, EWS, નોન કર્મીલીયર, ડોમીસાઈલ, સામાજિક શૈક્ષણિકના દાખલા અને 7/12, 8અ ના દાખલા અને ફેરફાર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે.
સેવા સદનમાં કામગીરી થઈ ઠપ્પ
ત્યારે ધોરાજી મહેસૂલ સેવા સદનમાં આજે સામાન્ય લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ રોજની જેમ લાંબી લાઈનો લગાવીને બેસી ગયા હતા અને પોતાનો વારો આવે તેની રાહ જોઈને બેઠા હતા પણ જ્યારે કોઈ ફરક્યું નહીં, ત્યારે પુછવામાં આવતા ખબર પડી કે આ કામગીરી હાલમાં ઠપ્પ એટલે કે બંધ કરવામાં આવી છે. કારણ કે તલાટી 4, ક્લાર્ક 1 , નાયબ મામલતદાર 6 , જેવા કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને માસ CL પર ઉતરી ગયા છે.
સામાન્ય લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો
જેને કારણે ધોરાજી મહેસૂલ સેવા સદન વિભાગમાં આવતા લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને જરૂરિયાતના દાખલા કે ફેરફાર કે પછી ઓનલાઈન અરજી જેવી કામગીરી આજે બંધ કરાતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર અને મહેસુલ વિભાગના કર્મચારીઓ વચ્ચે મતભેદ કે માગણીઓને લઈ સામાન્ય લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ધોરાજીની આમ જનતા અને ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.