રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડા અને RDC બેન્ક વાળી ગલી અને વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે પણ આ ખાડા પુરવામાં આવ્યા નથી, ઘણા વર્ષોથી રોડ રસ્તાના કામો થયા નથી અને પીવાના પાણીની સમસ્યાથી સાફ સફાઈ અને ભૂગર્ભ ગટરનું દુષિત પાણી રસ્તા પર નીકળી આવે છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર વિરૂદ્ધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો
અનેક વખત નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને મૌખિક રજૂઆતો અવારનવાર કરી છે પણ ધોરાજી નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને સ્થાનિક લોકોને દરરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, વેરા પણ સમયસર સ્થાનિકો દ્વારા ભરવામાં આવે છે પણ પ્રાથમિક સુવિધાઓ હજુ મળતી નથી અને આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની છે અને આજે રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચક્કાજામ કર્યો છે, ધોરાજી નગરપાલિકા તંત્ર વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જો નગરપાલિકા દ્વારા લોકોની તકલીફો દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટના ધોરાજીમાં વિકાસના નામે મજાક જેવી સ્થિતિ
થોડા દિવસ પહેલા જ રાજકોટના ધોરાજીમાં વિકાસના નામે મજાક જેવી સ્થિતિ જોવા મળી હતી. ધોરાજીમાં બનાવેલા અલગ-અલગ રોડમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. ડામર વિના માત્ર કાંકરા નાખી રોડ રિસરફેસની કામગીરી કરવામાં આવી હતી. રોડમાંથી ડામર અચાનક ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. કાંકરાને કારણે વાહનો સ્લીપ થવાના બનાવો વધ્યા હતા અને તપાસ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગ લોકો દ્વારા કરવામાં આવી હતી.