
ગાંધીનગર: ગુજરાતમાં ઘણાં લાંબા સમયથી જેનો ઇન્તજાર છે તે મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના હવે ધીમે- ધીમે આગળ વધતી જોવા મળે છે, જેના કારણે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા બે સિનિયર નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડાની સરકારમાં એન્ટ્રીની સંભાવનાઓ વધી છે .. એ ઉપરાંત ભાજપના બીજા સાત થી આઠ ધારાસભ્યોને કેબિનેટમાં સમાવી લેવામાં આવશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હવે 156 નહીં પણ 161નો પાવર ધરાવતી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હાલ આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ ફરજ બજાવે છે. 28થી વધુ વિભાગો આ 16 સભ્યો સંભાળી રહ્યાં છે જેથી કામનું ભારણ પણ વધારે છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેબિનેટ વિસ્તરણનો સંકેત આપ્યો હતો ..પરંતુ, કેટલાક કારણોથી તેમાં વિલંબ થયો છે. જો કેબિનેટનું વિસ્તરણ થશે તો અગાઉ જેમને વાયદો કર્યો હતો તેવા કોંગ્રેસમાંથી આવેલા બે સભ્યો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની દાવેદારી યે પ્રબળ બનશે તેવું લાગી રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રની ચૂંટણી પછી કેબિનેટનો વિસ્તાર નક્કી જ છે, જેમાં નિષ્ક્રિય રહેલા ચાર થી પાંચ સભ્યોને પડતા પણ મૂકવામાં આવી શકે તેમ છે. વિસ્તરણ થયેલી કેબિનેટનું કદ 23 સભ્યોનું હોવાના અણસાર છે. આ વિસ્તરણ કરવાનું બીજું કારણ સ્થાનિક ચૂંટણીઓ પણ છે.
આઇપીએસ બદલીઓ ફાઇનલી હવે આવશે, શમશેર સિંહ બાદ દાદાનો ડંગોરો કોણ પછાડશે?
ગુજરાતમાં લાંબા સમયના ઇન્તજાર પછી હવે આઇપીએસ અધિકારીઓની બદલી થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. આ બદલીઓ ડિસેમ્બર મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યારપછી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે.બદલીઓ ઉપરાંત ચાર સિનિયર આઇપીએસ અધિકારીઓ વયનિવૃત્ત થઇ ગયા હોવાથી અન્ય અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવશે. રાજ્યના સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારી શમશેરસિંહ દિલ્હી ડેપ્યુટેશન પર જશે તો તેમના પછી સિનિયોરિટીમાં આવતા અધિકારીઓને ઉપર આવવાના ચાન્સ મળી શકે તેમ છે. છેલ્લા એક વર્ષમાં એસીબીમાં શમશેર સિંહની જે કામગીરી રહી છે તે અત્યાર સુધીના તમામ અધિકારીઓમાં સૌથી નોંધનીય રહી છે .. ત્યારે શમશેર સિંહના દિલ્હી ગમન પછી દાદાનો ડંગોરો હવે કોણ પછાડશે તેની ચર્ચા છે ..સમશેરસિંહ પાસે લો એન્ડ ઓર્ડરના ડીજીપીનો પણ હવાલો છે. તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થવાના છે. આ પહેલાં રાજ્યના હાલના પોલીસ વડા વિકાસ સહાય જૂન 2025માં નિવૃત્ત થશે, એ પહેલાં સરકારે પ્રમોશનની તૈયારીઓ પૂર્ણ કરવી પડશે. સંભવિત બદલીઓમાં પોલીસ ભવન ઉપરાંત પોલીસ કમિશનરો અને જિલ્લાના એસપીઓનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર આખરમાં આટલા આઇએએસની બદલી આવશે
રાજ્ય સરકારે પોલીસની સાથે સિનિયર આઇએએસ અધિકારીઓની બદલી માટે પણ તૈયારી શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી રાજકુમાર વચ્ચે આ મુદ્દે બેઠક થઇ છે. આ પહેલાં બન્ને જ્યારે નવી દિલ્હીની મુલાકાતે ગયા હતા ત્યારે પણ હાઇકમાન્ડ સમક્ષ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી અંગેનું માર્ગદર્શન લઇને આવ્યા છે. સંભવત: ડિસેમ્બરના અંતમાં થવાની શક્યતા છે તે બદલીઓમાં સચિવાલયના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ-નિગમના એમડી સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારીઓના પ્રમોશન આવી રહ્યાં છે. તેથી તેમની ખાલી પડતી જગ્યાએ ભરતી થવાની છે. એ ઉપરાંત આસિસ્ટન્ટ કલેક્ટરના પ્રમોશન પણ લાંબા સમયથી પડ્યુ છે. એટલે કે પ્રમોશન સાથેની ટ્રાન્સફરો વધુ હોવાનું દેખાઇ રહ્યું છે. જેમ પોલીસ વિભાગમાં છ નવા આઇપીએસનો ઉમેરો થયો છે તેમ આઇપીએસ કેડરમાં પણ નવા પાંચ થી સાત નોમિનેટેડ IASનો ઉમેરો થવાના શક્યતા છે.
તમામ અધિકારીઓ – મંત્રીઓ ચિંતન શિબિરમાં, સચિવાલય ખાલીખમ
ગુજરાતની 11મી ચિંતન શિબિર 21 થી 23 નવેમ્બરે સોમનાથ મંદિરના પ્રાંગણમાં યોજાવાની છે જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત ઉપસ્થિત રહેવાનું ફરમાન સામાન્ય વહીવટી વિભાગે કરી દીધું છે. જેથી આ ત્રણ દિવસ સુધી સમગ્ર સચિવાલયનું કામકાજ ઠપ્પ થઇ જવાનું છે. સચિવાલયનો વહીવટ સોમનાથથી થવાનો છે. આ શિબિરમાં સરકારના તમામ મંત્રીઓ, વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, બોર્ડ-નિગમના અધિકારીઓ તેમજ 33 જિલ્લાઓના વડાઓ અપેક્ષિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ શિબિરમાં ડેવલપમેન્ટના 10 મુદ્દા પર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. એ ઉપરાંત આરોગ્ય-પોષણ, નવી પોલિસીઓ, શિક્ષણના સુધારા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સામાજિક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. પહેલીવાર આ શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન ટેકનોલોજી વિષયનો સમન્વય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા આ શિબિરના પ્રેરણાદાતા હોવાથી ઉપસ્થિત રહેનારા તમામ અધિકારીઓ અને મંત્રીઓએ ત્રણ દિવસ સુધી વહેલી સવારે ઉઠીને યોગાસન-પ્રાણાયામ પણ કરવા પડશે.
સચિવાલયના છેલબટાઉ અધિકારીની વોટ્સએપ લીલા છાપરે ચડીને પોકારી
શહેરો કે ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં રોમિયો કોઇ યુવતીની છેડતી કરે તો પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ, સચિવાલયના એક છેલબટાઉ અધિકારીએ કરેલી વોટ્સએપ મેસેજની લીલા છાપરે ચઢીને પોકારી છે. ઓફિસમાં બેઠાં બેઠાં કામ કરવાની જગ્યાએ આ અધિકારી અને એક મહિલા યુવતી વચ્ચેની ચેટ વાયરલ થતાં આ મુદ્દો સચિવાલયમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અધિકારીના ગંદા મેસેજની સામે યુવતી વારંવાર ઇન્કાર કરતી હોવા છતાં આ રોમિયો મહાશય મેસેજ લખવાનું બંધ કરતા ન હતા. સચિવાલય કેડરના આ અધિકારીએ માનસિક વિકૃતિ દેખાડી છે. બિભત્સ ભાષામાં યુવતીને કરેલા બધા મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા છે. સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીઓને માર્ગદર્શન આપતાં વર્ગ-2ના આ અધિકારી સામે અગાઉ પણ કેટલીક મહિલા કર્મચારીઓએ ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરી છે. આ યુવતીએ અનેક વાર શટઅપ જેવા શબ્દો વાપર્યા હતા. રાજ્યના તમામ વિભાગોમાં મહિલા કર્મચારીઓની સલામતી માટે મહિલા સુરક્ષા સમિતિ અસ્તિત્વ ધરાવે છે પરંતુ આ કેસ હજી સુધી સમિતિ સમક્ષ એટલા માટે પહોંચ્યો નથી કે તેની કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.
લ્યો: સરકારે આદેશના અમલીકરણ માટે પણ આદેશ કરવા પડે છે
સરકાર આદેશ કરે છે પણ જિલ્લા કલેક્ટર કચેરીઓ આદેશનું ઘણી વખત પાલન કરતી નથી. રાજ્યના કેટલાક જિલ્લામાંથી આવેલી ફરિયાદોના આધારે મહેસૂલ વિભાગે ગાંધીનગરથી તમામ જિલ્લા કલેક્ટરોને એવી સૂચના આપી છે કે એકવાર આદેશ થઇ ગયા પછી તેનું પાલન કરવાનું રહેશે, અન્યથા કડક પગલાં માટે તૈયાર રહેશો. સરકારે ગયા સપ્ટેમ્બર મહિનામાં એવો આદેશ કર્યો હતો કે ખેડૂત ખરાઇની ચકાસણી વખતે 6ઠ્ઠી એપ્રિલ 1995 પહેલાના રેકર્ડ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, આમ છતાં ઘણાં કિસ્સામાં અરજદારોની ક્વેરીઓ કાઢવામાં આવતી હતી તેથી વિભાગને આદેશ ઉપર અમલીકરણનો બીજો આદેશ કરવો પડ્યો છે. આ સાથે ગાંધીનગરમાં મળેલી એક બેઠકમાં જિલ્લા કલેક્ટરોને વિઝિલન્સ તપાસ, ગૌચરની જમીન, ગેરકાયદે દબાણો અને પડતર ફાઇલોના નિકાલ માટેની સૂચના આપી તેનો રિપોર્ટ સરકારમાં સબમિટ કરવાનું કહેવાયું છે.
પ્રત્યેક અભયારણ્ય અને નેશનલ પાર્ક વિસ્તારમાં ઝોનલ માસ્ટર પ્લાન આખરી કરવાની સૂચના અપાઇ
ગીરમાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે પ્રત્યેક અભયારણ્ય અને નેશનલ પાર્ક વિસ્તારમાં ઝોનલ માસ્ટર પ્લાન આખરી કરવાની સૂચના આપી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ પ્રમાણે જાહેર થયેલા આવા રક્ષિત વિસ્તારોમાં કેન્દ્ર સરકારે ઇકો સેન્સેટીવ ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું છે, હવે રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારા સરકારી સંસ્થાઓ કે નિષ્ણાંતો મારફતે માસ્ટરપ્લાન બનાવીને જિલ્લાકક્ષાની સમિતિમાં રજૂ કરવાનું નક્કી કર્યું છે. આ પ્લાન સબંધિત ભલામણોના આધારે વન વિભાગે એક ઉચ્ચકક્ષાની કમિટી બનાવી છે જેમાં અધ્યક્ષ તરીકે વન વિભાગના અધિક મુખ્યસચિવ રહેશે.. જ્યારે અન્ય 12 સભ્યોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. એટલે કે હવે આ પ્લાન ઝડપથી તૈયાર કરી તેને મંજૂરીઓ આપવાનું કામ શરૂ કરાશે. સરકારે ગીર ઇકો સેન્સેટીવ ઝોનમાં ઉભા થયેલા વાંધા-સૂચનોને યોગ્ય ઓથોરિટીમાં રજૂ કરવાનો વાયદો પણ આપ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
[ad_1]
Source link

