પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને ભારતીયોના સપના પુરા કરનારુ ગણાવ્યું હતું. તેમણે દેશવાસીઓને સંબોધન કરતા કહ્યું કે આ જનતાનું બજેટ છે. જે દેશના ગ્રોથને વધારશે. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેના પર હોય છે, પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે. આ બજેટ દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરાશે, દેશના નાગરિકોની બચત કેવી રીતે વધશે અને દેશના નાગરિકો વિકાસમાં ભાગીદાર કેવી રીતે બનશે. તેના પર છે.
નાણામંત્રીને અભિનંદન પાઠવુ છું- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ બજેટમાં સુધારાઓની દ્રષ્ટિએ આ બજેટમાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પરમાણુ ઊર્જામાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું ઐતિહાસિક છે. તે દેશના વિકાસમાં નાગરિક પરમાણુ ઊર્જાનું મોટું યોગદાન સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું કે આ બજેટ બચત, રોકાણ, વપરાશ અને વૃદ્ધિમાં ઝડપથી વધારો કરશે. હું નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને આ જનતા જનાર્દન અને લોકોના બજેટ માટે અભિનંદન આપું છું.
બજેટમાં સુધારા તરફ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બજેટમાં સુધારા તરફ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. પરમાણુ ઊર્જામાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે. બજેટમાં રોજગારના તમામ ક્ષેત્રોને દરેક રીતે પ્રાથમિકતા આપવામાં આવી છે.