લુણાવાડાના બાવન પાટીદાર સમાજ ઘર ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને પ્રદેશ સહ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા.
.

પત્રકાર પરિષદનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારના 11 વર્ષના કાર્યકાળની સમીક્ષા કરવાનો હતો. સરકારે 9 જૂને 11 વર્ષ પૂર્ણ કર્યા છે.

રાજ્યસભા સાંસદ નરહરિ અમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર એક દમદાર અને મજબૂત સરકાર ગણાવતા વધુ જણાવ્યું કે, આ સરકાર દેશ હિતમાં મજબૂત નિર્ણય લઇ શકે છે. આ સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરનારી સરકાર છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર 10મા સ્થાનેથી 5માં સ્થાને આવ્યું છે અને હવે ચોથા નંબરનું અર્થતંત્ર બનવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ.

81 કરોડ થી વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે જેના કારણે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોમાથી 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવા સરકાર સફળ થઇ છે. 11 વર્ષનો કાર્યકાળ દેશના વિકાસનો સુવર્ણ કાળ બન્યો છે ગરીબી ઘટી છે અને વિકાસના નવા નવા આયામો સિદ્ધ થયા છે. મોદી સાહેબના નેતૃત્વમાં વિકસીત ભારત 2047મા પણ ગુજરાતને વિકાસના કામોની નવી દિશા મળતી રહેશે તેવો વિશ્વાસ છે. રશિયા-યુક્રેન ના યુદ્ધ સમયે ભારતે સૌથી પહેલા તેમના નાગરિકોને સલામત ભારત પાછા લાવ્યું. ઓપરેશન દેવી શક્તિ થકી અફઘાનિસ્તાનમાથી તેમજ ઓપરેશન રાહત થકી યમનથી પરત લાવવા તેમજ ઓપરેશન વેક્સિન થકી 115 થી વધુ દેશોને રસી પહોંચાડવાનું કામ કર્યુ છે, 48 જેટલા દેશમાં ભારતે રસી ફ્રીમાં પહોંચાડી છે.

વડાપ્રઘાનના નેતૃત્વમાં આજે દેશની જનતાને પાંચ લાખ સુઘીની ફ્રી સારવાર આયુષ્યમાન યોજના થકી આપી 15 કરોડ થી વધુ લોકોએ તેનો લાભ લીધો છે. મહિલાઓને સશક્ત બનાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે જેમા લખપતિ દીદી જેવી યોજના તેમના નેતૃત્વમાં જ બની છે.

ભાજપ પ્રદેશ સહ પ્રવકતા શ્રધ્ધા રાજપૂતે જણાવ્યુ હતું કે દેશની સેનાએ કરેલ સર્જીકલ અને એર સ્ટ્રાઇક તેમજ ઓપરેશન સિંદુર જેવા પરાક્રમથી દેશમા આતંરીક સુરક્ષા અને સલામતી સાથે શાંતિ પુર્ણ માહોલ પ્રસ્થાપિત કર્યો છે. ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં રહેલા 9 આતંકી સેન્ટરોને નાશ કરવામાં આવ્યા જેમાં 100 થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ભારતીય સેના સ્વદેશી શસ્ત્રોથી સજ્જ બની છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત કોઇ પણ આતંકી ઘટનાને સહન નથી કરતુ બદલામાં જડબાતોડ જવાબ આપે છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તેમજ સંકલ્પથી સિદ્ધી અભિયાનના સંયોજકો પૂર્વ ધારાસભ્યો પદાધિકારીઓ કાર્યકરો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ પછી સંકલ્પથી સિદ્ધી અંતર્ગત ૧૧ વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવોએ કર્યુ હતું.