કડી તાલુકાના ખાવડ ગામમાં વૈશાખી પૂનમે શક્તિ માતાજીનો માંડવી મહોત્સવ યોજાશે. જેમાં 125 કાંસાની થાળીઓથી સજાવેલી કલાત્મક માંડવી નીકળશે. 3,000ની વસ્તી ધરાવતા ગામમાં છેલ્લા 800 વર્ષથી પરંપરા ચાલી આવે છે. ગામમાં શક્તિ માતાજી અને કાળકા માતાજીનું મંદિર આવેલું છે. ઈ.સ. 1305માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.બહુચરાજી તાલુકાના કાલરી ગામના પાટીદાર પરિવારો બહુચર માતાજીને ખાવડ લાવ્યા. જે શક્તિ માતાજી તરીકે પૂજવામાં આવે છે. હાલમાં ગામમાં 50 ટકા પાટીદાર અને 50 ટકા અન્ય સમાજના પરિવારો વસવાટ કરે છે. આ પ્રસંગે અગિયારસે નાયક સમાજના ભાઈઓ ગામમાં આવી માતાજીનો વેશ ધારણ કરી ભવાઈ કરે છે. આ પ્રસંગે બે દિવસનો મેળો પણ યોજાય છે. કાળકા માતાજીના ભુવાજી દેવીપૂજક સમાજના છે. જ્યારે શક્તિ માતાજીના ભુવાજી કાલરીયા પરિવારના છે. પહેલા અખાત્રીજના દિવસે નીકળતી માંડવી હવે વૈશાખી પૂનમે નીકળે છે. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.