ચોટીલા શહેરમાં ચામુંડા ક્રેડીટ સોસાયટી મંડળીના નામે લોભામણી સ્કીમ બહાર પડાઈ હતી. જેમાં વિવિધ બચત પ્લાન હેઠળ અનેક લોકોએ પૈસાનું રોકાણ કર્યુ હતુ. ત્યારે રોકાણકારોને પૈસા પરત ન આપી મંડળીના પ્રમુખ સહિતના ભાગીદારોએ રૂપિયા 1,80,27,150ની છેતરપિંડી આચરી હોવાની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે 12 શખ્સોને ઝડપી લીધા છે.
ચોટીલાના ભીમગઢમાં રહેતા ભરતભાઈ નરશીભાઈ માલકીયાએ ચામુંડા ક્રેડીટ સોસાયટી મંડળીમાં રોકાણ કરવાની શરૂઆત કરી હતી. 35 સભ્યોની મંડળી બનાવી દર મહિને 26 હજાર ભરવાના અને દર માસે થતા ડ્રોમાં નામ આવે તેને 46 હજાર મળે તે સહિતની અલગ-અલગ 100 રૂપિયાથી લઈને મોટી રકમ સુધીની યોજનાઓ હેઠળ તેમાં રોકાણ કરતા હતા. શરૂઆતમાં થોડા રૂપિયા પરત આવતા તેઓને વધુ આશ જાગતા વધુ નાણાંનું રોકાણ કરતા હતા.
બાદમાં મંડળીના પ્રમુખ સહિતનાઓ રૂપિયા પાછા દેવામાં ગલ્લા-તલ્લા કરતા હતા. આથી તેઓએ ચોટીલા પોલીસ મથકે લેખિતમાં અરજી કરી હતી. આ અરજી પોલીસને મળતા ભરતભાઈની જેમ અન્ય લોકો પણ આ સ્કીમ હેઠળ છેતરાયા હોવાનું સામે આવ્યુ હતુ.
આથી ચોટીલા પોલીસ મથકે 11 સામે અનિયંત્રિત ડીપોઝીટ યોજનાઓ ઉપર પ્રતિબંધ વર્ષ 2019, પ્રાઈઝ ચીટ અને મની સરકયુલેશન સ્કીમ(બેનીંગ) એકટ 1978 મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ચોટીલા પીઆઈ આઈ. બી. વલવી સહિતની ટીમે મંડળીના પ્રમુખ ચોટીલાની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા અરજણભાઈ બીજલભાઈ ખાંભલા, ભાગીદારો ભરત ગોકળભાઈ આલ, હરેશ જીવાભાઈ ધીયડ, ભરત રત્નાભાઈ ધીયડ, દેવા રૂપાભાઈ આલ, અરજણ ઉર્ફે અર્જુન વીભાભાઈ કલોતરા, વિજય રત્નાભાઈ આલ, રામ હીરાભાઈ ધીયડ, સંજય ગોકળભાઈ ખાંભલા, હરેશ રાણાભાઈ ખાંભલા, શિવરાજ ઉર્ફે દેવરાજ બોઘાભાઈ ખાંભલા અને હરેશ રૂપાભાઈ ધાંધળને ઝડપી લીધા છે.