ભાવનગરના કુંભારવાડામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કુંભારવાડામાં રેલ્વે ટ્રેક ક્રોસ કરતા એક વૃદ્ધ દુર્ઘટનાનો શિકાર થયા. વૃદ્ધની સ્થિતિ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વૃદ્ધના પરિવારને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘેરા આઘાતમાં છે. હોસ્પિટલમાં તબીબ દ્વારા વૃદ્ધને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આખરે કેવી રીતે આ વૃદ્ધ રેલ્વે ટ્રેક ક્રોસ કરતા અકસ્માતનો ભોગ બન્યા. તેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણકારી અપાઈ.
ટ્રેનની અડફેટે આવતા વૃદ્ધનો હાથ કપાયો
કુંભારવાડામાં રેલ્વે ક્રોસિંગ કરવાનું વૃદ્ધ માટે જોખમી બન્યું. રેલવે ફાટક ઓળંગવા જતા વૃદ્ધ દુર્ઘટનાનો ભોગ બન્યા. ટ્રેન આવતી હોવાના કારણે નિયમ મુજબ કુંભારવાડા રેલવે ફાટક બંધ કરવામાં આવ્યો હતો. રેલ ફાટક બંધ હોવા છતાં આ વૃદ્ધે તેને ક્રોસ કરવા પ્રયાસ કર્યો. આખરે આ વૃદ્ધને શેની ઉતાવળ હતી કે તે ફાટક બંધ હોવા છતાં પણ તેને ક્રોસ કરી સામેની બાજુ જવા માગતા હતા. બંધ રેલ્વે ફાટક ક્રોસ કરવા જતા ટ્રેનની અડફેટે આવતા વૃદ્ધનો હાથ કપાયો.
હોસ્પિટલમાં સારવાર હેઠળ વૃદ્ધ
ફાટક બંધ હતો અને ટ્રેઈન પસાર થવાનો સમય થઈ ગયો હોવા છતા એક વૃદ્ધ ફાટક ક્રોસ કરતા હતા. દરમિયાન ટ્રેઈનની અડફેટે આવી જતા તેમનો હાથ કપાયો. આ બનાવના પગલે લોકોના ટોળા બનાવ સ્થળ પર એકઠા થઈ ગયા. ભીડમાંથી એક શખ્સ દ્વારા આ ઘટનાની પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી ગઈ અને વૃદ્ધની સ્થિતિ ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યા.
ચેતવણી ભૂલતા થયા દુર્ઘટનાનો શિકાર
ઘણીવાર લોકો ઉતાવળ અને દોડાદોડીમાં ચાલતી ટ્રેનમાં ચડવાનો અથવા ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ ઉતાવળ કયારેક ઘાતક સાબિત થાય છે. છતાં પણ લોકો અનેક વાર ભૂલ કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ફાટક ક્રોસ કરવા મામલે રેલવે દ્વારા વારંવાર આપવામાં આવતી ચેતવણીને લોકો ભૂલી જાય છે અને દુર્ઘટનાનો ભોગ બને છે.