- મુન્દ્રાથી આવેલા કન્ટેનરને અટકાવી તપાસ કરતા જથ્થો મળી આવ્યો
- ગોલ્ડ ફ્લેકના 219 બોક્સ બદલી દેવાતાં તમામ માલ સીઝ કરાયો
- કાસેઝમાંથી પકડાયેલ સિગારેટની બજાર કિંમત 9 કરોડ જેટલી લગાડવામા આવી રહી છે
દરિયાઈ માર્ગેથી મુન્દ્રા આવી પહોચેલું કન્ટેનર કાસેઝની કંપનીમાં પહોંચે તે પહેલાં કસ્ટમ વિભાગે તેને અટકાવી તપાસ કરી હતી. જેમાંથી ઈમ્પોર્ટેડ અંદાજીત 9 કરોડની સિગારેટ મળી આવી હતી. સિગારેટના 219 બોક્ષ સહિત તમામ જથ્થો સિઝ કરી નાખ્યો હતો અને સિગારેટ કોણે મોકલી છે? કોને મોકલવાની હતી? સહિતના મુદે તપાસનો દોર આગળ વધાર્યો છે. કંડલા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શુક્રવારના રાત્રિના અરસામાં તવાઈ વર્તાવાઈ હતી. દરિયાઈ માર્ગે મુન્દ્રા આવેલા કન્ટેનરને કાસેઝની લા સ્પિરિટ કંપનીમાં લઈ જવામાં આવતું હતું. આ દરમિયાન કાસેઝના કસ્ટમ વિભાગે સિક્યુરીટી અધિકારીઓ સાથે મળી ગેટ પાસે અટકાવી દીધું હતું અને તેમાં તપાસ હાથ ધરી હતી. ત્યારે કન્ટેનરમાંથી આયાતી 555 (પાંચસો પંચાવન) બ્રાંડની સિગારેટના બદલે ગોલ્ડ ફ્લેકના 219 બોક્સ મળી આવ્યા હતા. જે તમામ બોક્ષમાં 20 હજાર સિગારેટ જેટલી સિગારેટ હોવાનુ સૂત્રો જણાવી રહ્યા હતા.
કાસેઝમાં સિગારેટની આયાતમાં મીસ ડીક્લરેશન જણાઈ આવતા કસ્ટમ વિભાગે તમામ જથ્થો સિઝ કરી નાખ્યો હતો. ત્યારબાદ ઈમ્પોર્ટેડ ગણાતી સિગારેટ ક્યાંથી આવી? કોને આપવાની હતી? સહિતના મામલે ઉંડાણ પૂર્વક તપાસનો દોર આગળ વધારવામા આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતુ. બીજી તરફ કાસેઝમાંથી પકડાયેલ સિગારેટની બજાર કિંમત 9 કરોડ જેટલી લગાડવામા આવી રહી છે, પરંતુ હાલે તપાસ ચાલુ હોવાથી સિગારેટની ચોક્કસ કિંમત જાણી સકાઈ ન હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતુ. તાજેતરમાં કસ્ટમ વિભાગે મુન્દ્રા સંલગ્ન કેસમાં કાસેઝમાં તપાસ કરી હતી. તેવામાં આજે સ્થાનિક કસ્ટમ વિભાગે આળસ ખંખેરી સિગારેટનો જથ્થો ઝડપી પાડતાં કસૂરવારો સામે કાર્યવાહી થશે? કે ઘીના ઠામમાં ઘી ભળી જશે? તેવો સવાલ સૂત્રો દ્વારા કરવામા આવી રહ્યો છે.